વાંકાનેર: સેવા, નિષ્ઠા, અને સમર્પણના પર્યાય, વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી ગણી અને શિક્ષણમાં નવા પ્રયોગોના આગ્રહી, અનેક વિદ્યાર્થીઓના ચારિત્ર્ય નિર્માણમાં જેનો સિંહ ફાળો છે. એવા વી એ. મહેતા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ વાંકાનેરના કે.કે.શાહ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયના પ્રધાનાચાર્ય જયંતિભાઈ પડસુંબિયા તા. ૩૧ના રોજ સેવા નિવૃત થઇ રહ્યા છે.
જયંતિભાઈ બાલ્યકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સ્વયંસેવક, વિસ્તારક અને કાયૅકતૉ તરીકે તેમજ વિદ્યાભારતીમાં અનેકવિધ જવાબદારીઓ વહન કરતા હાલ રાજકોટ વિભાગના મંત્રી તેમજ સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંતના સંયોજક તરીકે કાર્યરત છે. જયંતિભાઈ પડસુંબિયા શાળા વિકાસ સંકુલમાં કન્વીનર તરીકે તેમજ તાલુકા કર્મચારી ધિરાણ મંડળીમાં લાંબા સમય સુધી પ્રમુખ તરીકે સેવાઓ આપી પોતાની ઉત્કૃષ્ટ વહીવટી ક્ષમતાઓનો પરિચય આપેલ હતો. તેમનો નિવૃત્તિ સન્માન સમારોહ વાંકાનેર વિદ્યાભારતી સંકુલના પ્રમુખ, ભૂતપૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાના અધ્યક્ષતામાં કે કે.શાહ માધ્યમિક વિદ્યાલયના ઓડિટોરિયમમાં યોજાયો હતો. જેમાં અતિથિવિશેષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નીતિનભાઈ પેથાણી, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી મહેશજી પતંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તેમજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નીતિનભાઈ પેથાણીએ નિવૃત્તિને ‘વૃતિ’ માંથી નિવૃત્ત થઈ વધુ પ્રવૃત્ત બનવાના સમય તરીકે ઓળખાવી અત્યાર સુધીની જયંતિભાઈની વિદ્યાભારતીની કામગીરીને બિરદાવી અને વિદ્યાભારતીના અન્ય પ્રકલ્પો માં પણ તેમના જ્ઞાનનો લાભ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી, તેમનામાંથી પ્રેરણા લેવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી.