વાંકાનેર તાલુકાના વિડીભોજપરા ગામની સીમમાં આવેલ રામપરા અભ્યારણમાં માલ-ઢોર ચરાવવાની ના પાડતા ત્રણ શખ્સોએ કર્મચારીને લાકડી ફટકારીને ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવ અંગે રામપરા અભ્યારણના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે હુમલો અને ફરજમાં રૂકાવટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિડીભોજપરા ગામની સીમમાં આવેલ રામપરા અભ્યારણમાં નોકરી કરતા વિપુલભાઇ જશમતભાઇ ગોહીલ (ઉ.વ. 28) એ આરોપીઓ વિભાભાઇ નવઘણભાઇ, ઝાલાભાઇ સિધાભાઇ ગરીયા, છેલાભાઇ ખેગારભાઇ ગરીયા (રહે. ત્રણેય ખીજડીયા, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ વાંકાનેરના વિડીભોજપરા ગામની સીમમાં ફરીયાદીએ આરોપીઓને રામપરા અભ્યારણમાં પોતાના માલ-ઢોર ચરાવવાની ના પાડતા તે બાબતનો રોષ રાખી આરોપીઓએ ફરીયાદીની પોતાની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી, લાકડી વડે જમણા પગની ઘુટી ઉપર એક ઘા મારી ફેકચર કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે રામપરા અભ્યારણ્ય કર્મચારીની ફરીયાદ પરથી ત્રણેય આરોપી વિરૂધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.