વાંકાનેર-મોરબી ને.હા. રોડ પર લાલપર ગામ નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મોત એક ઈજાગ્રસ્ત
મોરબી: વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર લાલપર ગામથી આગળ શૈલેષ વે બ્રીજની સામે રોડ ઉપર આઇસર ટ્રકે બાઇકને અડફેટે લેતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે મૃતકના બનેવીએ આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ મોરબીમાં ઠાકર લોજ પાછળ કબીર ટેકરી શેરી નં-૭મા રહેતા મહેન્દ્રભાઈ રામાશ્રેરભાઈ શર્મા (ઉ.વ.૪૨) એ આરોપી આઇસર ટ્રક રજીસ્ટર નંબર- GJ-03- Y-9152 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૧૦-૨૦૨૨ ના રોજ રાતના સવા ત્રણેક વાગ્યાની પહેલા કોઈપણ સમયે ફરીયાદીનો સાળો પ્રેમ દેવાનંદ શર્મા તથા તેનો મિત્ર રાજન પ્રભસ શર્મા બન્ને મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-3-FE-8616 વાળુ લઇને વાકાનેર તરફથી મોરબી આવતા હતા ત્યારે લાલપર ગામ નજીક શૈલેષ કાટા પાસે પહોચતા આઇસર ટ્રક રજીસ્ટર નંબર- GJ-03-Y-9152 વાળાના ચાલકે તેનુ આઇસર સર્વિસ રોડ ઉપરથી પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે આજુબાજુ સાઇડમા જોયા વગર વાકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર ચડાવી આઇસર ટ્રકના પાછળ ઠાઠાના ભાગે ફરીયાદીના સાળાના મોટરસાયકલ સાથે એકસીડન્ટ કરી ફરીયાદીના સાળાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી તથા મોટરસાયકલની પાછળ બેઠેલ રાજન પ્રભસ શર્માને માથાના ભાગે ઇજા પહોચાડી પોતાના હવાલાવાળુ આઇસર ટ્રક સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના બનેવીએ આરોપી આઇસર ટ્રકના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.