વાંકાનેરના હસનપરમાં આવેલી જમીનમાં ગેરકાયદે કબ્જો જમાવી એક શખ્સે ગાયો બાંધી કાંટાની વાડ કરીને ઓરડી બનાવી નાખી હતી. જેથી જમીનના મૂળ માલીકે તેમની જમીન પર થયેલા ગેરકાયદે દબાણને દૂર કરવાનું કહેતા આરોપીએ ગાળો આપી હતી. આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ મથકે શખ્શ વિરૂધ લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા ગોડાઉન રોડ સ્ટેશન ફાટકની બાજુમાં વિજયાનિવાસમાં રહેતા રાકેશભાઇ દેવજીભાઇ બદ્રકીયા (ઉવ.૪૨)એ આરોપી સતાભાઇ ધારાભાઇ મુંધવા (રહે.હસનપર તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સતાભાઇએ ફરીયાદી રાકેશભાઇની માલીકીની હસનપર ગામના સીમ રેવન્યુ સર્વે નંબર ૧૨૮/૧ પૈકી ની બીન ખેડવાણ જમીન પૈકી ચોરસ મીટર ૮૭૬-૫૬ જેના ચોરસવાર ૧૦૪૮-૩૬૮ ની ક્ષેત્રફળ વાળી જમીનમા અનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદે કબ્જો કરી દબાણ કરી ઉપયોગ કરી ગાયો બાધી કાટાની વાડ તથા કાચુ છાપરુ બનાવી પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરતા આ જમીન માથી દબાણ દુર કરવા સાહેદ પરેશભાઇ દેવજીભાઇ એ આરોપીને કહેતા ગાળો બોલી થાય તે કરી લેવા કહી ધમકી આપી હતી. આ બનાવમાં લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડીવાયએસપી આઇ.એમ.પઠાણ ચલાવી રહ્યા છે.