જાણીતા લેખક વકતા જય વસાવડાના ઘડવૈયા અને વત્સલ પિતા નિવૃત્ત અધ્યાપક શ્રી લલિતભાઈ વસાવડાનો રાજકોટ ખાતે એમના નિવાસસ્થાને ગત શરદ પૂનમની રાત્રિએ તા. ૨૦/૧૦/૨૦૨૧ના રોજ રાતના ૧૧.૨૫ કલાકે ૮૫ વર્ષની વયે દેહવિલય થયો છે. સદગતની પ્રાર્થનાસભા રાજકોટ ખાતે શુક્રવાર તા. ૨૨/૧૦/૨૦૨૧ના રોજ સવાણી હોલ, કોટેચા સર્કલ પાસે બપોરે ૪ થી ૬ દરમિયાન અને રવિવાર તા. ૨૪/૧૦/૨૦૨૧ના રોજ અમદાવાદ ખાતે પૂ. માધવપ્રિયદાસજીની નિશ્રામાં છારોડી ગુરુકુળ, એસજીવીપી કેમ્પસ, ,નિરમા યુનિ. સામે , એસ.જી. હાઇવે ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન રાખેલ છે.
લલિતભાઈ વસાવડા જૂનાગઢમાં એમની લેખન વકતૃત્વકળા માટે યુવાનીમાં સુપ્રસિદ્ધ હતા. જવાહરલાલ નેહરુના હાથે એમને સાહિત્યસર્જન માટે ચંદ્રક મળ્યો હતો. ત્યાર બાદ ભાવનગર અને પછી ગોંડલ ખાતે સ્થાયી થયા હતા. સ્વ. જયશ્રીબહેન સાથેના સ્નેહલગ્નના એકમાત્ર સંતાન તરીકે જય વસાવડાને એમણે રોજનું એક પુસ્તક આપી શાળાએ મોકલ્યા વિના વ્હાલથી ઘડતર કર્યું હતું. મોટી ઉંમરે એમને જેનો હજુ કોઈ ઈલાજ નથી એવો પાર્કિંન્સન્સ રોગ થયો હતો. છતાં એ મોજથી જીવતા હતા. ગત દિવાળી પર કોરોનાને લડત આપી બેઠા થયા હતા. પણ છેલ્લા મહિનાઓમાં એસ્પીરેશનલ ન્યુમોનિયાને લીધે રાજકોટ વોકાર્ડ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ થયા હતા. ત્યારે બાદ ઘેર આનંદથી પાછા ફરેલા પણ હૃદય અને ફેફસાં નબળા પડેલા ને હઠીલું ઇન્ફેક્શન થયું હતું. ડો. ચિરાગ માત્રાવડિયાની પારિવારિક હૂંફ સાથેની સારવાર ને જય વસાવડાના ભાવનામામીની કાળજી સાથે સેવા થકી પુત્રનો પ્રેમ અને પ્રગતિનું સુખ અનુભવી સદાય શાંત અને સાહિત્યકળારસિક સ્વભાવના સંભારણા સ્વજનોમાં મૂકી એમણે ચિરવિદાય લીધી છે.