મોરબી: રીક્ષામાં ભુલાયેલ કિંમતી માલ-સામાન ભરેલા થેલાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમ તથા સેફરસીટી પ્રોજેક્ટ વડે શોધી મુળ માલીકને મોરબી પોલીસે પરત કર્યો છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્યમથક એમ.આઇ.પઠાણ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીઝન રાધીકા ભારાઇની સુચના અને માર્ગદર્શન હેઠળ ચાલતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમ તથા સેફરસીટી પ્રોજેક્ટ દ્વારા રીક્ષામાં ભુલાયેલ કિંમતી માલ-સામાનવાળા થેલાને પરત અપાવેલ. જે અન્વયે તા.૦૧/૦૯/૨૦૨૧ ના રોજ મેહુલભાઇ ભીખાભાઇ ચૌહાણ, રહે,ઇન્દિરાનગર, મહેન્દ્રનગર, મોરબી-ર વાળાઓ પોતાના ઘરેથી પોતાની બેન સાથે વડોદરા જવાનું હોય જુના બસસ્ટેશન જવા સમર્પણ હોસ્પિટલ પાસેથી રીક્ષામાં બેસેલ હતા, આ રીક્ષામાં તેઓ પોતાનો કિંમતી સામાન ભરેલો થેલો ભૂલી ગયેલા હતા.
આ બનાવ બાબતે તેઓએ મોરબી એ ડીવીઝન પોલીસનો સંપર્ક કરતા સેફરસીટી પ્રોજેક્ટ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમ-મોરબી દ્વારા કેમેરાનો સંયુક્ત રીતે જીણવટભર્યો અભ્યાસ કરી સદરહું રીક્ષાને કેમેરા ફુટેઝ દ્વારા શોધી રીક્ષા માલીકના મોબાઇલ નંબર મેળવી-તપાસ કરી રીક્ષા માલીક સવજીભાઇ ભવાનભાઇ માલટોલીયાનો સંપર્ક કરેલ, આ બાબતે રીક્ષા માલીકે પ્રમાણિકતા દાખવતાં સોનાની વીંટી, ચાંદીના છડા, ૩ હજાર રૂપિયા તથા કપડાં ભરેલા થેલાને મોરબી પોલીસની મદદથી મુળ માલિકને પરત અપાવેલ છે. મોરબી પોલીસ દ્વારા પોતાનો કિંમતી માલ-સામાન પરત અપાવવા માટે કરેલ તાત્કાલીક કાર્યવાહીથી પ્રભાવિત થઇને મેહુલભાઇ ભીખાભાઇ ચૌહાણ નાઓએ મોરબી પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.