રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા કલાકાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે દુ:ખદ અવસાન થયું છે. તેમણે અનેક નાટકો, હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરીયલોમાં પણ અભિનય કર્યો છે. અરવિંદ ત્રિવેદીના નિધનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઓનસ્ક્રીન ‘રાવણના’ નિધન પર રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિંદ, સુનિલ લહરી (લક્ષ્મણ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોએ શોક વ્યક્ત કર્યો હતો.

• લંકેશ નામથી ઓળખાતા અરવિંદ ત્રિવેદી
પ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કુકડિયા ગામના વતની હતા. અને 1991 થી 1996 સુધી સાસંદ સભ્ય તરીકે રહ્યા હતા. તેમજ ભારતીય સેન્સર બોર્ડની કાર્યકારી ચેરમેન પદે 2002ના વર્ષમાં રહ્યા હતા. પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. મુંબઈની ભવન્સ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો. તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઈ હતી. તેમના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર હતા. અને ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ તરીકે જાણીતા હતા. અરવિંદ ત્રિવેદીએ રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી ટીવી સિરિયલ રામાયણમાં ‘રાવણ’ની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં જાણીતા બની ગયા હતા. ઘણા લોકો અરવિંદ ત્રિવેદીને ‘લંકેશ’ ના નામથી જ ઓળખતા હતા.
• અરવિંદ ત્રિવેદીની સફળ ગુજરાતી ફિલ્મ
અરવિંદ ત્રિવેદીએ લગભખ 300 જેટલી ફિલ્મમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ દ્વારા તેમને ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી. જેમાં ‘સંતુરંગીલી, હોથલ પદમણી, કુંવરબાઇનું મામેરું, જેસલ-તોરલ, અને દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી જ અનેક સફળ ગુજરાતી ફિલ્મ આપી છે. અરવિંદ ત્રિવેદીએ ‘પરાયા ધન, આજ કી તાજા ખબર જેવી હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે. અરવિંદ ત્રિવેદીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભિષ્મ પિતામહ પણ કહેવામાં આવતા હતા.
• અરવિંદ ત્રિવેદી રિયલ લાઈફના નાયક
ગુજરાત સરકારની લઇને દેશ દુનિયાની અનેક સંસ્થાઓ દ્વારા અરવિંદ ત્રિવેદીને પુરસ્કારો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ અનેક સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. રામાયણના આ ખલનાયકને રિયલ લાઈફમાં પણ નાયક હતા.
• રામભક્ત અરવિંદ ત્રિવેદી
ખરેખર રામાયણ સિરિયલમાં ‘રાવણ’ની ભૂમિકા નિભાવનાર અરવિંદ ત્રિવેદી રામભક્ત હતા. તેઓ સતત રામની ભક્તિમાં લીન રહેતા હતા. એટલુ જ નહીં તેમના ઇડર નિવાસ સ્થાને તેઓના ઘરમાં ભગવાન રામની સાડા ચાર ફૂટ ઉંચી પ્રતિમા પૂજ્ય મોરારી બાપુના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. જેની તેઓ નિયમીત પુજા-અર્ચના કરતા હતા. સાથે અરવિંદ ત્રિવેદી તેમના મિત્ર વર્તુળ, દિકરીઓ અને જમાઇની ઉપસ્થિતિમાં રામનવમીની ઉજવણી કરતા હતા.

• રામાયણ સિરિયલના શૂટિંગ બાદ તેઓ રામની પૂજા કરતા
અરવિંદ ત્રિવેદીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવતો ત્યારે હું શૂટિંગમાં જતા સમયે રામના ફોટાની પૂજા કરતો હતો. તમે જે પાત્ર ભજવો છો એનો આદર કરવો જોઈએ. શૂટિંગની પરત આવીને અરવિંદ ત્રિવેદી પોતાના ઘરે રામની સ્તુતિ કરતા હતા. કારણ કે શૂટિંગ દરમિયાન તેમણે રામ વિશે ઘણા જ અપમાનજનક સંવાદો કહ્યા હતા.
• વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતા લખ્યું, આપણે અરવિંદ ત્રિવેદીને ગુમાવ્યા છે, જે માત્ર એક અપવાદરૂપ અભિનેતા જ નહોતા પણ જાહેર સેવા પ્રત્યે પણ ઉત્સાહી હતા. ભારતીયોની પેઢીઓ તેમને રામાયણ ટીવી સિરિયલમાં તેમના કામ માટે યાદ કરશે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.
