Tuesday, April 22, 2025

મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે આજે શુક્રવારે બપોરે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મોરબીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન ધાનાણીએ મોરબી સિવિલ હોસ્પિટલ સહીત કોરોના વોર્ડની મુલાકાત લઇ વ્યવસ્થા અંગે માહિતી મેળવી કોરોના પેશન્ટ અને તેમના પરિવારજનોને સરકાર સહાય આપે તેવી માંગ કરી હતી.

આ તકે મીડિયા સાથે વાત કરતા વિપક્ષનેતા પરેશ ધાના જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરે ગુજરાતના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરી નાંખ્યું છે. આરોગ્ય સુવિધાઓના અભાવે ગુજરાતના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતું ચાલ્યું છે. ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આશરે 175 બેડની વ્યવસ્થા જ થઈ શકી છે. ગામડાઓમાં આરોગ્ય વ્યવસ્થાના અભાવે લોકો શહેરોની હોસ્પિટલમાં આવવા માટે મજબુર બન્યા હતા. દરેક જગ્યાએ સારવાર માટે, ઓક્સિજન માટે, દવા-ઇન્જેક્શનો માટે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે સરકાર મુઠ્ઠીભર ધારાસભ્યોની સંખ્યા વધારવામાં વ્યસ્ત રહી અને પરિણામે આરોગ્ય ક્ષેત્રમાં વ્યાપેલી અરાજકતાની કિંમત લાખો નાગરિકોએ ચૂકવવી પડી, મોરબી સિવિલમાં સીટી સ્કેન મશીન હોવા છતાં નિષ્ણાંતોના અભાવે લોકોને કાં તો ખાનગી હોસ્પિટલમા અથવા તો બીજા શહેરો તરફ દોટ લગાવવી પડે.

સરકારે પણ ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવા પડે એવી વરવી વાસ્તવિકતા છે તેવું જણાવતા પરેશ ધાનાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજની સ્થિતિમાં આરટીપીસીઆર ટેસ્ટ કીટ સહીત ડી ડાયમર ટેસ્ટ કીટનો અભાવ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે. ફેબીફલુ, રેમડેસિવિર, ટોંસિલીઝુમેબ જેવા ઈન્જેક્શનોની તંગી વર્તાઈ રહી છે. લોકો પોતાના પરિજનોને બચાવવા માટે જીવનરક્ષક મનાતી દવાઓ માટે રીતસર ટળવળી રહ્યા છે.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આવી વિપરીત પરિસ્થિતિમાં મોરબી જિલ્લામાં સેવાભાવી લોકો અને સામાજિક સંસ્થાઓએ જે તમામ સેવાઓ કરી એમને હું બિરદાવું છું. રાજ્ય સરકારે તો મોતના આંકડા છુપાવવા માટે જ પોતાની શક્તિ વેડફી હોય એવું છેલ્લા એક માસના મારા તમામ જિલ્લાઓના પ્રવાસ દરમ્યાન મેં નોંધ્યું છે.

પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પાસે કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરી હતી કે, કોરોનાને કારણે અવસાન પામેલા મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયા, કોરોનની સારવાર દરમ્યાન ગંભીર આડ અસરથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિજનોને 3 લાખ રૂપિયા, શંકાસ્પદ કોવીડ દર્દીના મૃતકના પરિજનોને 2 લાખ રૂપિયા, કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય એવા દર્દીઓને 1 લાખ રૂપિયા, કોવીડ કેર સેન્ટરમાં સારવાર મેળવેલા દર્દીઓને 25 હજાર રૂપિયા અને કોરોનાની પ્રાથમિક સારવાર લેવી પડી હોય એવા દર્દીને 10 હજાર રૂપિયાની સહાય સરકાર જાહેર કરે એવી માંગણી કરી છે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW