મોરબીના લખધીર પુર રોડ ઉપર મેટ્રો સીરામીક કારખાનામાં ખુલ્લા ગ્રાઉન્ડમાં સુતેલા બે બાળકો ઉપર લોડર ફરી વળતા એક બાળકને ગંભીર ઇજાઓ પહોચી હતી. જ્યારે એક માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે લોડર ચાલક વિરૂધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સીરામીક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના રાજુભાઇ જીવલાભાઈ ભુરીયાનો દસ વર્ષનો પુત્ર ગોપાલ અને પવન બીજા માણસો સાથે ગત તા.11 ના રોજ મેટ્રો સિરામિકમાં માટીખાતાના ખુલ્લા ગ્રાઉન્ડમાં સુતા હતા. તે સમયે જોન ડીયર લોડરના ડ્રાઇવર પ્રકાશ બારીયાએ સ્પીડમાં લોડરને રિવેસમાં ચલાવી બન્ને બાળકોને હડફેટે લીધા હતા.
જેથી ગોપાલ ભુરીયા (ઉ.વ.10)ને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોચી હોવાથી તેનું મોત નિપજ્યું હતું. જ્યારે પવનકુમાર ભુરીયા (ઉ.વ.4)ને પણ માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે લોડર ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. માસુમ બાળકના મોતથી પરિવારમાં દુખની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે બન્ને પુત્રના પિતા રાજુભાઇ ભુરીયાએ લોડરના ચાલક પ્રકાશ બારીયા વિરૂધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.