મોરબીના નવા બસસ્ટેન્ડ સામે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજ સવારથી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રેપિડ મારફતે કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સવારના 9 થી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ મળીને 1000 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 238 લોકોને કોરોના પોઝિટિવ આવતા અત્યાર સુધીમાં મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના આંકડાઓ સામે વેધક સવાલો ઉઠ્યા છે.
મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાની આગેવાની હેઠળ હાલમાં મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રેપિડ મારફતે લોકોના કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સવારે 9 વાગ્યાથી જ લાંબી કતાર લાગી હતી. અને લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. 1000 લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવેલ છે જેમાંથી 238 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તેઓને 14 દિવસની દવા સાથે પોતાના ઘરની અંદર હોમ આઇસોલેટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે એક જ સેન્ટર ઉપર આટલા કોરોનાના પોઝિટિવ આવતો હોય તો અન્ય જગ્યા ઉપર રેપિડ મુજબ કે પછી આરટીપીસીઆરથી ટેસ્ટ કરવામાં આવે છે ત્યાં કેટલા લોકોને વાસ્તવિક રીતે કોરોના પોઝિટિવ આવતા હશે ? અને અત્યાર સુધીના આરોગ્ય વિભાગના આંકડાઓ સામે પણ વેધક પ્રશ્નો ઉઠ્યા છે.