અમદાવાદ એસીબી ટીમ દ્વારા આજે ટીમ્બડી પાટિયા નજીક છટકું ગોઠવી મોરબી પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક અને તેના મિત્રને રૂપિયા 75 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી પ્રાંત અધિકારી કચેરીના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિર્મલ જીલુભાઈ ખુંગલાએ ફડસર ગામના એક દાવામાં જમીનમાંથી રસ્તો નીકળતો હોય તેના અપીલ કેસમાં અરજદારને રૂપિયા એક લાખ આપો તો તમારા તરફી ચુકાદો આવશે અન્યથા પ્રતિવાદી તરફે ચુકાદો આવશે તેવી દાટી મારી એક લાખની લાંચ માંગી હતી જેને પગલે અરજદારે 1064માં એસીબીને ફરિયાદ કરતા આજે અમદાવાદ એસીબી પીઆઇ કે.વાય.વ્યાસ અને ફિલ્ડ વી.એસ.વાઘેલા સહિતની ટીમે છટકું ગોઠવ્યુ હતું.
એસીબીના માર્ગદર્શન મુજબ અરજદારે લાંચિયા નિર્મલ ખૂંગલાને લાંચના નાણાં લેવા ટીમ્બડી પાટીયે બોલાવતા નિર્મલ અને તેનો મિત્ર ધર્મેન્દ્ર નામનો ઈસમ કાર લઈને ટીમ્બડી પાટીયે લાંચ સ્વીકારવા પહોંચ્યા હતા. જ્યા કારમાં બેઠા બેઠા કારકુન વતી રૂ ૭૫ હજારની લાંચ સ્વિકારતા ધર્મેન્દ્ર નામનો શખ્સ અને કારમાં બેઠેલા નિર્મલ ખૂંગલાને પણ ઝડપી લઈ મોરબી એસીબી ઓફીસ ખાતે લાવ્યા હતા.