મોરબી નગરપાલિકા પૂર્વ પ્રમુખ કેતન વીરપરા ઉપર ગઇકાલે રાત્રે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે બે શખ્શો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કન્યાછાત્રાલય રોડ આશા પાર્ક સોસાયટીમાં રહેતા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઇ અમૃતલાલ વીરપરાએ આરોપી જીગર ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા (રહે.બોરીચાવાસ મોરબી) તથા જાવેદ અખ્તરભાઇ બ્લોચ (રહે.મકરાણીવાસ મોરબી) વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી કેતનભાઇએ ગયા વર્ષે લોકડાઉન સમયે આરોપીઓને સરદારબાગ પાસેના પાણીના સમ્પ પાસે બેસવાની ના પાડી હોય જેનો ખાર રાખી ગત તા.14 ના રોજ શનાળા રોડ જીઆઇડીસીના નાકા નજીક આરોપી જીગર ઉર્ફે જીગો ગોગરા અને જાવેદ બ્લોચે છરી અને પાઇપ વડે કેતન વિલપરા ઉપર હૂમલો કર્યો હતો. તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી કેતન વિલપરાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપી વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.