મોરબીમાં મચ્છુ-2 સિંચાઇ યોજનાની કેનાલમાંથી ખેડૂતો માટે પાણી ન છોડાતા મોરબી સરપંચ એસોસિએશન આક્રમક રવૈયો અખત્યાર કર્યો છે. જો કે અગાઉ મચ્છુ-2 કેનાલના કમાન્ડ એરિયામાં આવતા તમામ ખેડૂતો માટે પાણી છોડવાની રજુઆત કરી હતી. પણ હાલ પાક બળી જવાની તૈયારીમાં હોવા છતાં પાણી ન છોડાતા મોરબી તાલુકાના સરપંચો વિફર્યા છે. અને કાલે સરપંચો ખેડૂતોને સાથે રાખી મચ્છુ-2 કેનાલની ઓફીસ ખાતે ઉપવાસ આંદોલન કરશે.
મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના નેજા હેઠળ સરપંચોએ આજે કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, હાલ વરસાદે ભારે કરી છે. વરસાદ ખેંચાતા ઉભો મોલ સુકાવા લાગ્યો છે. નજર સામે પાક બળતો જોઈને ખેડૂતોના હૈયા સળગી ઉઠ્યા છે. આવા સંજોગોમાં તાત્કાલિક પાણી ન મળે તો ખેડૂતોનો સંપૂર્ણપણે પાક નિષફળ જાય તેમ છે. તેથી ગત 20 ઓગસ્ટના રોજ મચ્છુ-2 સિંચાઇ યોજનાની કેનાલમાંથી આ કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોને પાણી છોડવાની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. હવે બે દિવસમાં પાણી ન છોડાઈ તો ખેડૂતોનો પાક નિષફળ જશે આથી તંત્ર આ મુદ્દે યીગ્ય નિર્ણય ન લે તો આવતીકાલ મોરબી તાલુકાના સરપંચો ખેડૂતોને સાથે રાખી મચ્છુ-2 કેનાલની ઓફીસ ખાતે ઉપવાસ આંદોલન કરશેવધુમાં જણાવ્યું હતું કે, પાક વીમા યોજના બંધ થતાં મુખ્યમંત્રીએ નવી યોજના જાહેર કરી છે. જેમાં આ સહાય યોજના મુજબ 28 દિવસથી 2.5 એમ.એમ.થી ઓછો વરસાદ પડે તો તેવા વિસ્તારમાં ખેડૂતોને એક હેકટરે 20 હજાર અને વધુમાં વધુ ચાર હેકટરની સહાય મળી શકશે. તેથી મોરબીના તમામ તાલુકામાં 25 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી એક એમ.એમ.પણ વરસાદ થયો નથી. તેથી મોરબીના ખેડૂતોને ઉપરોક્ત મુખ્યમંત્રીની સહાય યીજનાનો લાભ આપવાની માંગ કરાઈ છે.