મોરબી શહેર અને જિલ્લામાં ગત એપ્રિલ મહિનામાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી હતી. ત્યારે મોરબી જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયા કોરોના મહામારીમાં લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. અને પોતાના કાર્યાલય ખાતે વિનામૂલ્યે માસ્ક અને સેનિટાઇઝર, દર્દીઓ માટે નાળિયેર અને મોસંબીની વિતરણ જેવી અનેક સેવાઓ આપી હતી.
સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને ઓક્સિજન સપ્લાયમાં કોઈપણ પ્રકારના વિક્ષેપ ઉભો ન થાય તે માટે સિવિલ હોસ્પિટલ ખાતે પાંચ રોજમદાર કર્મચારીઓને જિલ્લા પંચાયતના સભ્ય અને યુવા ઉદ્યોગપતિ તેમજ સમાજ સેવક એવા અજય લોરીયા દ્વારા પોતાના ખર્ચે નિમણૂંક કરવામાં આવી હતી. તેમના દ્વારા સતત 32 દિવસ સુધી ઓક્સિજનના બાટલા બદલાવ માટેની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આજે કોરોના મહામારીમાં છેલ્લા 14 મહિનાથી નિ:સ્વાર્થ ભાવે સેવા આપનાર અજયભાઇ લોરીયાનું સૌરાષ્ટ્ર ઠાકોર સમાજના ઉપપ્રમુખ પ્રભુભાઈ કગથરા, તથા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશભાઈ સિરોયા તેમજ આગેવાનોની હાજરીમાં શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે અજય લોરીયાની કામગીરીને સૌરાષ્ટ્ર ઠાકોર સમાજ દ્વારા બિરદાવવમાં આવી હતી.
