મોરબી: આગામી તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા ‘‘સુશાસન ના પાંચ વર્ષ’’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ સુચારુ આયોજન ઘડવામાં આવ્યું છે.
મોરબી કલેકટર જે.બી. પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકાર દ્વારા મળેલા માર્ગદર્શન અનુસાર મોરબી જિલ્લામાં ઉજવણી કાર્યક્રમના પ્રથમ દિવસે એટલે કે તા.૦૧/૦૮/૨૦૨૧ ના રોજ ‘‘જ્ઞાન શક્તિ દિવસ’’ની ઉજવણી કરવામા આવશે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. સોલંકી દ્વારા મળેલી વિગતો અનુસાર મોરબી એ.પી.એમ.સી. ખાતે જિલ્લા પ્રભારીમંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષતામાં તથા એમ.એમ. સાયન્સ કોલેજ ખાતે સાસંદશ્રી મોહનભાઇ કુંડારીયાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લાના ૩૮ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, ૯ આઈ.સી.ટી. લેબ, તેમજ સરકારી પ્રાથમિક શાળાના ૨૨ ઓરડાનું લોકાર્પણ/ખાતમુહુર્ત મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.
હળવદ મોર્ડન સ્કૂલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાના હસ્તે આઈ.સી.ટી. લેબનું લોકાર્પણ કરવામાં આવશે. જયારે માધાપર વાડી કન્યા વિદ્યાલય ખાતે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રાના હસ્તે જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ ‘સુશાસન ના પાંચ વર્ષ’ ના રાજયકક્ષાના કાર્યક્રમનું પણ લાઇવ પ્રસારણ કરવામાં આવશે.