મોરબી જિલ્લામાં હળવદ,માળિયા-મિયાંણા, ટંકારા, વાંકાનેર તાલુકા વિસ્તારમાં ખુલ્લે આમ ચાલતી ખનીજ ચોરી ચાલતી હોવાથી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખનીજ ચોરી અટકાવવા અંગે મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવ્યું હતુ કે, જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની આસપાસના ડુંગરાળ વિસ્તારના ગૌચર, સરકારી ખરબાઓમાં ખનિજ માફિયાઓ છેલ્લા એકાદ વર્ષથી માટી,મોરમ કાઢી રહ્યા છે. જેથી સરકારી તિજોરીને પણ મસમોટું નુકશાન થઈ રહ્યું છે. વાંકાનેર જડેશ્વર મહાદેવ મંદિર તેમજ વાંકાનેર તાલુકાના પાડધરા,માટેલ,ભીમગુંડા, ચિત્રખડા, લુણસરિયા-થાન રોડ પરથી પણ ખનિજ માફિયાઓ બે રોકટોક રાત-દિવસ ખનિજ ચોરીના માલનું વહન કરી રહ્યા છે. આ ખનિજ ચોરીના માલનું વહન કરવા માટે ખનિજ માફિયાઓ મસમોટા હપ્તાઓ આપતા હોવાનું પણ અમને જાણવા મળ્યું છે. જેથી આપ તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લામાં કુદરતી સંપત્તિની ગેરકાયદેસર ચાલતી લૂંટ અટકાવવા અમારી નમ્ર રજુવાત છે.અન્યથા આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ જિલ્લા કલેકટર કચેરી બહાર ખનિજ ચોરી અટકાવવા સારું ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો પકડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.