મોરબીમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ; જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ
વહિવટી તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરતા કલેક્ટરશ્રી
મોરબીમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. મોરબી જિલ્લામાં નાગરિકોને કોઈ સમસ્યા ન પડે, જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં ગતિશીલતા અને ઝડપ લાવવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીશ્રીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ, માર્ગ અને મકાન સ્ટેટ તથા પંચાયત હસ્તકના રોડની અધુરી કે ધીમી કામગીરી, વાંકાનેરના પંચાસર રોડ પરના બ્રીજ અંગેની કામગીરી, પીવાના પાણીના પ્રશ્નો, ભંગારના ગેરકાયદેસર ઉભા કરેલા ડેલાને દુર કરવા અને ભંગારના વેપારીઓના રજીસ્ટ્રેશન કરવા અને બિન અધિકૃત ભંગારની હેરફેરને રોકવા, વ્યાયામ શાળા અને કેન્દ્રિય વિદ્યાલયની કામગીરીની પ્રગતિ, પુર સંરક્ષણ માટેની દિવાલ બનાવવા, કેનાલના સફાઈ કરવા, હળવદ જી.આઈ.ડી.સી. વિસ્તરણની કામગીરી, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ અંતર્ગતની કામગીરી, ગેરન્ટી પીરીયડ હેઠળના રોડ રસ્તાની સ્થિતિ, વાંકાનેરમાં ઓજી વિસ્તારમાં ગંદકી દુર કરવા અને ગંગા સ્વરૂપા વિધવા સહાયની ચુકવણી સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
આ તમામ પ્રશ્નો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગોને સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટરશ્રીએ તમામ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીઓને લોકહિતને ધ્યાનમાં રાખી હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિના ૧ થી ૬ પત્રકોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ. ઝાલા, નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.ડી. કુગસીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, નાયબ કલેક્ટરશ્રી સુબોધકુમાર દુદખીયા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી કુલદીપસિંહ વાળા તથા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.