મોરબીના બાપા સીતારામ ચોક નજીક રોંગ સાઈડમાં આવતી ઈકોના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતાં મોટર સાયકલ ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે ખસેડેલ હોય જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ઇક્કો ચાલક વિરૂધ ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર આવેલ પાટીદાર નગર ભક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ગોકુળભાઈ પ્રાગજીભાઈ ડાંગરોશીયાએ આરોપી ઇક્કો કાર નં.GJ03-HK-0660ના ચાલક સામે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગોકુળભાઈનો દીકરો રમેશ પોતાનું મોટર સાઈકલ નં.GJ21-S-8208 બાપા સીતારામ ચોક ગીતાપાન વાળી શેરીમાં રોડની સાઈડમાં ઉભું રાખીને ઉભો હોય તે દરમિયાન આરોપી ઇકો ચાલકે પુર ઝડપે રોંગ સાઈડમાં ચલાવી આવીને રમેશભાઈના મોટર સાઈકલ સાથે ભટકાડી તેને પેટના ભાગે ગંભીર ઈજા પહોચાડી પોતાની ઇકો કાર મૂકી નાસી ગયેલ હોય અને બાદમાં રમેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.