
મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો
મોરબી: રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત જિલ્લાકક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા પી.જી.પટેલ કોમર્સ કોલેજ, મોરબી ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પ્રાચીન ગરબાના વિભાગમાં પ્રથમ ક્રમાંકે પી.જી.પટેલ કોમર્સ કોલેજ-મોરબી, દ્વિતિય ક્રમે તક્ષશિલા વિદ્યાલય-હળવદ, તૃતીય ક્રમે એલ.કે.સંઘવી કન્યા શાળા-વાંકાનેર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અર્વાચીન ગરબા તથા રાસના વિભાગમાં અનુક્રમે તક્ષશિલા કોલેજ-હળવદ અને તક્ષશિલા વિદ્યાલય-હળવદ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા.
નિર્ણાયક તરીકે ભક્તિબેન દવે તથા રફીકભાઈ વડાવરિયાએ માનદ સેવા આપેલ હતી. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન અમિતભાઈ વ્યાસે તમામ વિજેતાઓને અભિનંદન તથા રાજ્યકક્ષાએ વિજયી બને તેવી શુભેચ્છાઓ આપેલ હતી. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.
