મોરબી: તાજેતરમાં જમ્મુ કશ્મીરમાં જુદા જુદા સ્થળે આતંકી હુમલાઓ થયા હતા. જેમાં પંજાબના 3 જવાન, ઉત્તરપ્રદેશના 1, કેરળના એક, અને ગુજરાતના ખેડા જિલ્લાના એક શહિદ મળી કુલ 6 જવાનો શહિદ થયા હતા. ત્યારે શહિદ જવાનોના પરિવારોની મદદ માટે મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરિયા દ્વારા મોરબીના સુપર માર્કેટ અને બાપા સીતારામ ચોક ખાતે બે દિવસીય ફંડ એકત્રિત કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબીવાસીએ દેશભક્તિ અને દેશપ્રેમનો પરિચય આપી માત્ર બે દિવસમાં શહિદ જવાનોના પરિવારની મદદ માટે રૂ.11,26,000 જેટલું ફંડ સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના સંસ્થાપક અજયભાઈ લોરિયા તથા તેમની ટીમ દ્વારા એકત્ર કર્યુ હતું. ત્યારે એકત્રિત ફંડ જમ્મુ કશ્મીરમાં શહિદ થયેલ જવાનોના પરિવારને રૂબરૂ મળીને પણ અજયભાઇ લોરિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજના વણઝારીયા ગામના 25 વર્ષીય હરીશ પરમાર આતંકવાદી સામે લડતા લડતા જમ્મુ કાશ્મીરના પૂછ ખાતે શહીદ થયા હતા. તેમની યાદમાં વણઝારિયા ગામે ‘એક શામ શહિદ હરિશસિંહ કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની ઉપસ્થિતમાં શહિદ હરિશ પરમારના પરિવારજનોને અજયભાઇ લોરિયા દ્વારા મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી રૂ.1,75,000 આપીને માં ભારતીનું ઋણ ચુકવીને અજયભાએ ધન્યતા અનુભવી હતી.