દ્વારકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મોરબીના ખાનપર ગામે પોતાના ઘરે બે દિવસ પહેલા આવેલા યુવાનનો નાની વયે જીવનદીપ બુઝાતા ગામમા શોકના વાદળો છવાયા છે
મોરબી : મોરબીના ખાનપરમાં આજે એક કરુણ ઘટનાથી ગામ આખું શોકમય બની ગયું છે. દ્વારકા જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાનનો હાર્ટ એટેકથી જીવનદીપ બુઝાતા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર નાની વયના યુવાનોને એટેક ભરખી જતો હોવાની વચ્ચે વધુ એક યુવાનનું એટેકથી મોત થયું છે.
મોરબીના ખાનપર ગામના વતની અને હાલ દ્વારકા જિલ્લામાં સલાયા ખાતે સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય યુવાન રાહુલકુમાર જીવણભાઈ ડાવેરા બે દિવસ પહેલા પોતાના મોરબીના ખાનપર ગામે આવ્યો હતો અને ઘર પરિવાર સાથે આ યુવાન હળવાશની પળો માણી રહ્યો હતો. ત્યારે આ યુવાન અને તેના પરિવાર ઉપર ઘાત ત્રાટકી હતી. રાહુલભાઈને અચાનક જ ભયાનક રીતે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી ઘરના લોકોએ ભારે ચિંતા સાથે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં આ શિક્ષકના પરિવારની માથે દુઃખનું આભ તૂટી પડ્યું હતું. કારણ કે, હોસ્પિટલમાં તબીબે આ યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કરતા અને હાર્ટ એટેકથી મોત થયાનું તારણ દર્શાવતા તેમનો પરિવાર હિબકે ચડ્યો હતો. આ શિક્ષક મિલનસાર સ્વભાવના હોય તેમની આકાળે વિદાયથી મિત્ર અને સગા સ્નેહીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
