મારૂ મોરબી સ્વચ્છ મોરબી માત્ર પોસ્ટરો અને હોલ્ડિંગ મારફતે સ્વચ્છતાના અનેક તાયફાઓ થાય છે. પરંતુ ખરેખર વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ઠેર ઠેર ગંદકીના ગંજ અને ઉભરાતી ગટરની સમસ્યાઓથી મોરબીવાસીઓ પરેશાન છે. મોરબી નગરપાલિકા પણ આવી સમસ્યા જોઈ નિવારણ લાવવામાં જાણે નિષ્ફળ નીવડી હોઈ એવુ દેખાઈ આવે છે.

ત્યારે મોરબીના ભાજપ કાર્યાલય સામે નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાનાગર સંકુલની ગટર ઉભરાતી હોવાના કારણે સ્થાનિક વેપારી અને પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નવાઈની વાત તો એ છે કે, અહીં નગરપાલિકા દ્વારા મુકવામાં આવેલ કચરાપેટીમાં પણ “એક કદમ સ્વચ્છતા કી ઔર” અને સ્વચ્છ ભારતનું સુત્ર લખેલું છે. પરંતુ મોરબીનું નિંભર તંત્ર અને નગરપાલિકા ક્યારે મોરબીને સ્વચ્છતામય બનાવવા કદમ ઉઠાવશે તે પણ લોકપ્રશ્ન ઉઠ્યો છે.

કોરોનાના કેશ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ તો લીધો છે. પરંતુ ભાજપ કાર્યાલય સામે ઉભરાતી દુર્ગંધમય ગટરના પાણીના કારણે પસાર થતાં લોકો તથા વેપારીઓના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. અને અહીં નાસ્તા પાણીની દુકાનો પણ આવેલ છે જ્યાં અનેક લોકો નાસ્તા માટે આવે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, સ્વચ્છતા અભિયાનના જાડું ઉઠાવી ફોટો શેશન કરતા અધિકારી અને રાજકીય નેતા મોરબીને સ્વચ્છ ક્યારે કરશે..!! અને ભાજપ કાર્યાલય સામે જ ઉભરાતી દુર્ગર્ધઁમય ગટરના કારણે લોકો અનેક પ્રશ્નો પણ ઉઠાવી રહી છે. તાત્કાલિક સમસ્યાનું નિવારણ આવે તેવી લોકમાંગ ઉઠી છે.
