મોરબી તાલુકાના ત્રાજપર ગામે યુક્રેનથી પરત આવેલ મેડીકલની વિદ્યાર્થીની શૈલેજા લાલજીભાઈ કુનપરાનું પરિવારના સભ્યોએ, ત્રાજપર ગામના આગેવાનોએ તેમજ મોરબી જીલ્લા ભાજપ પરીવારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

શૈલેજા યુક્રેન રશિયા યુદ્ધના ભયાનક માહોલ વચ્ચે ભારત સરકારના ઓપરેશન ગંગા અંતર્ગત હેમખેમ ધરે પહોંચતા તેમના માતા પિતાએ લાગણીસભર ફૂલડે વધાવી હતી અને ભારતમાતાનું પુજન કર્યુ હતું ત્યારબાદ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, તાલુકા પંચાયત સભ્ય તુલસીભાઈ પાટડીયા, અશોકભાઈ વરાણીયા, જગદીશભાઈ, બચુભાઈ અમૃતિયા તેમજ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મો મીઠું કરાવી શૈલેજાનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત પહોંચાડવા ઓપરેશન ગંગા હાથ ધરી 17000 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે ત્યારે શૈલેજાબેનના પિતા લાલજીભાઈ કુનપરાએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી પી.એમ કેર ફંડમાં રૂ. 21,000 અને સી.એમ રીલીફ ફંડમાં રુ. 11,000 નો ચેક અર્પણ કર્યો હતો.