મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌ વંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી હતી જો કે, આયોજનના અભાવના કારણે વર્ષોથી જે જમીન બિન ઉપજાવ હતી તેને છેલ્લા વર્ષોમાં ટ્રસ્ટીઓએ મહેનત કરીને ફળદ્રુરપ બનાવી છે આટલું જ નહિ આ પાંજરાપોળમાં રહેતા જીવ માત્રને દૈનિક જેટલા ખોરાકની જરૂર હોય છે તેના ૩૦ ટકા જેટલા ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાં જ થઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ફળ, ફૂલ, ઔષધી અને છાયડો આપે તેવા ૧,૧૧,૧૧૧ વૃક્ષોનું વાવેતર કર્યું હતું તે ઉછરી ગયેલ છે જેથી ત્યાં ધટાટોપ જંગલ જેવો નજારો જોવા મળે છે. અને હજુ પણ દાતાઓના સહકારથી જોઘપર પાસે આવેલ વીડીની જમીનમાં બે લાખ વૃક્ષોનું વાવેતર કરીને ત્યાં પિકનિક સેન્ટર બનાવવા માટેનું આયોજન ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને પાંજરાપોળ અને તેની વીડી આગમી દિવસોમાં મોરબીના લોકો માટે ફરવા લાયક હિલ સ્ટેશન સમાન બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
વર્ષો પહેલા ચોમાસામાં એક સાથે ૨૫૦થી પણ વધુ ગૌ વંશોના મૃત્યુ થયા હતા જેથી કરીને મોરબીની પાંજરાપોળ નુ માત્ર રાજકોટ જીલ્લો નહીં પણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બની ગઈ હતી. જો કે મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ છેલ્લા વર્ષોમાં નવી ટીમ દ્વારા અબોલ જીવના ચારા માટે તેમજ વૃક્ષ રોપણ માટે જે કામગીર કરવામાં આવી છે તે ખરેખર ગૌ સેવાનો બોલતો પુરાવો છે તેવું કહ્યે તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ઉલેખનીય છે કે વર્ષોથી ગૌ સેવાની કામગીરી માટે મોરબી પાંજરાપોળને જે જમીન રાજવી પરિવાર દ્વારા દેવામાં આવી હતી તે જગ્યાપર ઘાસચારો ઉગે તે માટેની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી પરંતુ વર્તમાન ટ્રસ્ટી મંડળ દ્વારા અબોલ જીવ માટે ચારાની વ્યવસ્થા કરવા માટે ૪૨૦૦ વીઘા જમીનને ફળદ્રુપ બનાવવામાં આવી છે અને તે પૈકીની ૧૦૦૦ વીઘા જમીનમાં ૧,૧૧,૧૧૧ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવામાં આવી રહ્રુ છે.
મોરબી પાંજરાપોળના ઉપપ્રમુખ વેલજીભાઈ પટેલ (બોસ) સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ પાંજરાપોળ તેઓએ સાંભળી હતી ત્યારે માત્ર ૬૦૦ ગૌ વંશ હતા જો કે, આજની તારીખે ત્યાં 5250 જેટલા ગૌવંશોને રાખવામા આવે છે અને તે ઉપરાંત મરઘા અને સસલા પણ ત્યાં રાખવામા આવેલ છે. આ અબોલ જીવની સેવા માટેનો જે યજ્ઞ કરવામાં આવે છે તેમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિ, વેપારીઓ તેમજ આમ જનતાનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે. અને દાતાઓ તરફથી મોરબી પાંજરાપોળને ખુલ્લા હાથે દાન આપવામાં આવે છે.
વધુમાં તેઓએ કહ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી પાંજરાપોળની જમીન બંજર હતી આ જમીનને ફળદ્રુપ બનાવવા માટે જે તે સમયે ચાર મહિના સુધી જેસીબી અને હિટાચી મશીન ચલાવ્યા હતા અને વીડીની જમીનને ખેડવા લાયક બનાવી હતી ત્યાર બાદ સરકારની યોજના અંતર્ગત મોરબીના મચ્છુ ડેમમાંથી ૫૦૦૦ ટ્રક જેટલી કાળી માટી ઉપાડીને આ વીડીની જગ્યામાં નાખવામાં આવી હતી જેથી બંજર જમીન હાલમાં ફળદ્રપ બની ગયેલ છે અને દૈનિક ચારાની જરૂરિયાતની સામે લગભગ 30 ટકા જેટલો ચારો ત્યાંથી મળી રહે છે. આ પાંજરાપોળમાં ખેતી તેમજ વૃક્ષોને પાણી આપવા માટે તેમજ અબોલ જીવને પાણી પીવડાવવા માટે વીડીમાં કુલ મળીને ત્રણ તળાવ બનાવવામાં આવ્યા છે.
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી પાંજરાપોળમાં ટ્રસ્ટી છે જેથી તે પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મોરબીની પાંજરાપોળને મળે અને ગ્રાંટનો લાભ લઈને અબોલજીવનું જતન થાય તેના માટે સતત જહેમત ઉઠાવે છે. એટલા જ માટે તો વર્તમાન ટ્રસ્ટી મંડળની અબોલજીવની સેવા કરવાની ઉમદા ભાવનાના લીધે આજે ન માત્ર મોરબી પરંતુ ગુજરાતમાં નંબર વન કહી શકાય તેવી પાંજરાપોળ મોરબીમાં બની ગયેલ છે અને હજુ પણ તેની સુવિધામાં વધારો કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વધુમાં વેલજીભાઇ પટેલે જણાવ્યુ હતું કે, જીલ્લામાં હાલમાં હરવા ફરવા લાયક કોઈ જગ્યા નથી ત્યારે મોરબી પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા મહેનત કરીને છેલ્લા વર્ષોમાં પાંજરાપોળની વીડીને સારી રીતે ડેવલોપ કરવામાં આવેલ છે જેથી કરીને ૧,૧૧,૧૧૧ જેટલા જુદાજુદા વૃક્ષો ઉછરી ગયેલ હોવાથી ત્યાં ગીરના જંગલ જેવો નજારો જોવા મળે છે જેથી કરીને ઘણા લોકો ત્યાં ફરવા માટે આવતા હોય છે અને આવી જ રીતે મોરબીમાં મચ્છુ-૨ ડેમ પાસે આવેલ જોઘપર ગામ પાસે વીડીની મોટી જમીન આવેલ છે ત્યાં આગામી દિવસોમાં બે લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આમ પાંજરાપોળને સારી રીતે ડેવલોપ કરીને ગૌસેવા સાથે લોકોને હરવા ફરવા માટેનું સારું સ્થળ આપવા માટે વર્તમાન ટ્રસ્ટી મંડળ જહેમત ઉઠાવે છે. જેથી કરીને આગામી દિવસોમાં જોઘપર અને મકનસર પાસે પાંજરાપોળની જગ્યામાં લોકોને હરવા ફરવા માટે હિલ સ્ટેશન બની રહેશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશોયક્તિ નથી.