મોરબી : મૂળ મોરબી જિલ્લાના રાજપર(કુંતાસી) ગામના રહીશ અને હાલમાં કચ્છમાં જિલ્લા માહિતી કચેરીમાં સિનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવતા ગૌતમ બાબુભાઈ પરમારનું કચ્છના નખત્રાણા ખાતે આયોજિત 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રશસ્તિ પત્ર આપીને પ્રચાર પ્રસારની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું છે.
મૂળ મોરબીના રાજ૫૨(કુંતાસી) ગામના વતની ગૌતમ બી.પરમારની રાજ્ય સરકારની પ્રચાર પ્રસારની શ્રેષ્ઠ કામગીરી, વિવિધ સરકારી કાર્યક્રમોમાં સુચારું મીડિયા મેનેજમેન્ટ, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો બહોળો પ્રચાર પ્રસાર, કચ્છમાં વિવિધ આપદાઓ સમયે જનહિતલક્ષી પ્રચાર પ્રસાર સહિતની કામગીરીને બિરદાવવામાં આવી છે.કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિત વિવિધ પદાધિકારી/અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં ગૌતમ બી. પરમારને પ્રશસ્તિ પત્ર એનાયત કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.