માળીયાના છેવાડાના ગામડાઓ સુધી પાણી ન પહોચતા ખેડુતો ચિંતિત મોંઘાભાવના બિયારણ ફેલ જવાની દહેશત ખેતરોમાં પાણીની તાતી જરૂરિયાત ચાતક નજરે જોવાતી રાહ
માળીયામિંયાણાના છેવાડાના ગામડાઓ નર્મદા મેઈન બ્રાંચ કેનાલ પર નિર્ભર હોય જુનાઘાંટીલા ખાખરેચી કુંભારીયા સુલતાનપુર ખીરઈ સુધી પાણી ન પહોચતા હાલ બીટી કપાસ સહીતના પાકનું વાવેતર થઈ ચુક્યા હોય આ વિસ્તારમાં કેનાલ તળીયા ઝાટક થઈ જતા ખેડુતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. કારણ કે, ખેડુતોએ મોંઘા ભાવના ખાતર બિયારણ ખેતરોમાં નાખી દીધા હોય ત્યારે ખરા ટાણે જ માળીયા બ્રાંચની કેનાલ તળીયા ઝાટક થઈ જતા આ વિસ્તારમાં હજુ વરસાદના વાદળો તો કયાંય દેખાતા નથી ત્યાં ખેડુતો માથે પાણીની અછતના કારણે ચિંતાના વાદળો ઘેરાયા છે. જેથી તાત્કાલિક યુધ્ધના ધોરણે માળીયા બ્રાંચ કેનાલમાં પાણીનો વધુમાં વધુ પ્રવાહ છોડવા માંગ ઉઠવા પામી છે.
જો ખરા ટાણે જ વાવેતર થઈ ગયેલા ખેતરો સુધી પાણી નહી પહોંચે તો ખેડુતોએ મોંઘાભાવે ખરીદેલા બિયારણ અને ખાતર ફેલ જાય તેવી દહેશત ઉભી થઈ છે. અને વાવેતર કરેલા બિયારણ નિષ્ફળ જાય તેમ છે. વર્ષો વર્ષ આ વિસ્તારના ખેડુતોને પાણી બાબતે અન્યાય થતો આવે છે તે જગજાહેર છે છતા કોઈ નેતા કે ઉચ્ચ અધિકારીઓના કાને અહીના ગામડાઓના ખેડુતોની વાત પહોંચતી ન હોય તેમ આંખ આડા કાન કરી ખુરશી ખંખેરી અમારા પ્રયત્ન ચાલુ છે. જેવા ઉડાવ જવાબો આપી ખેડુતોના હૈયે હામ કહો કે મીઠો ડામ હૈયધારણ આપી સંતોષ માની લે છે જોકે ખેડુતોને ખરા અર્થમાં પાણીની તાતી જરૂરિયાત હોય અનેક વખત આ વિસ્તારના ખેડુત આગેવાન અને જાગૃત લોકોએ અધિકારી પદઅધિકારીઓના કાન ભંભોળવા છતા હજુ સુધી પાણી ન પહોચતા માળીયા ખેડુત હિતરક્ષક સમિતિએ પાણી અંગે ઘટતું કરવા માંગ કરી છે. અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
જોકે નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા માળીયાના છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચે તેવા હેતુથી હળવદ પંથકના ગામડાઓને વારાબંધી અમલીકરણ કરવા અંગેનુ એક જાહેરનામુ બહાર પાડી પાણીનો બગાડ ન કરવા તેમજ કરકસર કરી છેવાડાના ખેડુતો સુધી પાણીનો જથ્થો પહોંચે તે માટે વારાબંધી પ્રમાણે પાણી લેવા સાથ સહકાર આપવા નર્મદા નિગમના અધિકારી દ્વારા જણાવ્યું છે જે તા.૧૨ જૂનથી અમલમાં લેવા તેમજ આ વારાબંધીનુ પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ વધુમાં જણાવ્યું છે.