Friday, April 11, 2025

“મનની સાફ-સફાઈ” : મિત્તલ બગથરીયા

Advertisement
Advertisement
Advertisement

(લેખ: મિત્તલ બગથરીયા): કોરોનાના કટોકટીના સમય પછીની આ દિવાળી આવી રહી છે. ચારે બાજુએ જોઈએ ત્યાં દિવાળીની તૈયારી ચાલી રહી છે. બાળકોને છ માસિક પરીક્ષા, સ્ત્રીઓની ઘરની સાફ-સફાઈ સાથે શોપિંગ, ધંધાર્થીઓના હિસાબની ચુકવણી વગેરે એક નવી ઉર્જા અને ઉત્સાહ સાથે લોકો ફરીથી એક ઉમળકા અને ખુશી સાથે દિવાળીનું સ્વાગત કરવા તૈયાર છે .દિવાળીના શોપિંગનું લિસ્ટ, નવી વસ્તુઓની ગોઠવણી, નાસ્તાની તૈયારી વગેરે આ બધું લગભગ થઇ ગયું હશે અથવા થવા આવ્યું હશે, પરંતુ આપણે આ દિવાળીએ કંઈક નવું ન કરી શકીએ ? આ દિવાળીએ આપણે ઘરની સાફ-સફાઈ કરી ઘણી જૂની નકામી વસ્તુઓ ફેકી દીધી, ઘરને ચક ચકાટ કરી નાખ્યું પરંતુ શું મનને ચક ચકાટ કર્યું આપણે ? બિઝનેસમેન પૈસાની લેવડ-દેવડ કરી નાખી, પરંતુ શું મનની લેવડ-દેવડ કરી?

આપણે આખા વર્ષ દરમિયાન ક્યાંકને -ક્યાંક કંઇક ખરાબ અને કંઈક સારા અનુભવ થયા હશે, સારા અનુભવને આપણા મનમાં સાચવી ને યાદગીરી બનાવી, સારા અનુભવ ને બેલેન્સ કેરી ફોરવર્ડ કરી એટલે કે આગળના વર્ષમાં લઈ જાય. પરંતુ જો કઈ ખરાબ અનુભવ રહ્યા હોય તેને આપણે નકામી વસ્તુની જેમ ફેંકી દઈ અને ઘાલખાધ સમજી માંડી વાળી. ક્યાંકને ક્યાંક આપણા દિલમાં સંઘરાયેલી પીડાદાયક લાગણીઓ, દુખાયેલું મન, પીડા, દુઃખ, વેદના, છેતરાયા હોવાની લાગણી, મૂર્ખ સાબિત થયા તેનો અફસોસ, વિશ્વાસ તૂટયો એનું દુઃખ, કોઈ પાસે રાખેલી અપેક્ષા ન સંતોષતા મનમાં ગુસ્સાની ભાવના વગેરે કાઢી મનની સાફ-સફાઈ કરી. જેથી નવા વર્ષે તેને આગળ લઈ જઈને મન પર બોજો ન રાખવો પડે. આ બાકી આગળ લઈ જતા માત્ર મન પર બોજ વધે છે જે આગળ જતા મૂંઝવણ વધારે છે અથવા ક્યાંકને ક્યાંક આપણા વર્તનમાં દેખાવા લાગે છે અને સંબંધ ઓછા થવા લાગે છે.

શાયદ આપણાથી એક કામ ઓછું થશે તો ચાલશે, પરંતુ નકામી વસ્તુઓ ફેંકી દઈએ એટલે કે મનની સાફ-સફાઈ કરી. હવે પ્રશ્ન થશે કે મનની સાફ-સફાઈ કેમ શક્ય છે? કારણ કે એ કઈ વસ્તુ નથી એ તો લાગણીઓ હોય છે. જે દિલમાં હોય છે. અઘરું લાગશે મિત્રો પણ અશક્ય નથી. મિત્રો તમે જ કહો કે, આપણે મીઠાઇ કે ચોકલેટમાં લાવીશું તો શું એક્સપાયરી ડેટ થઈ જાય પછી પણ આપણે ખાઈએ છીએ ? ના, નથી ખાતા ને. તો હવે આપણી કચવાયેલી લાગણી, પીડા, દર્દ ને કેમ સંગ્રહી શકીએ ?એ સંગ્રહ કરવાથી આપણને ફાયદો થશે ? નહીં ને, માત્રને માત્ર નુકસાન જ છે. તો શું કામ સંગ્રહ કરી? બાળકની પરીક્ષા પૂરી થતાં તે જુના કોર્સ ને વાંચતા નથી, પરંતુ નવા કોર્સ માટે તૈયાર થાય છે. એ જ રીતે આપણે પણ આપણા મનને જુના ખરાબ અનુભવમાંથી મુક્ત કરી. આગળના સફર માટે તૈયાર કરીએ.

” આપણે સામેવાળા વ્યક્તિને માફ કરી દેવા જોઈએ અને માફી પણ માંગી લેવી જોઇએ. તેઓ લાયક છે કે નહીં એ વિચારવું નહીં, પરંતુ આપણા મન નો બોજો હળવો થાય તે માટે અને માનસિક શાંતિ માટે.”

આ વર્ષે આપણે દિવાળીમાં નવા કપડા તો પહેરીશું સાથે મનને નવા અને સારા વિચાર આપીશું. આ દિવાળી બધાના જીવનમાં ખુશીઓ પ્રજ્વલિત કરે આવતું વર્ષ શુભ નિવડે તેવી શુભેચ્છા…

Related Articles

Total Website visit

1,501,796

TRENDING NOW