રામાયણ, ભગવદ ગીતા, મહાભારત સહિતના ધર્મગ્રંથોના ઉંડા અભ્યાસ બાદ લોકોને પણ આધ્યાત્મિક જ્ઞાન તરફ પ્રેરિત કરવાની અભિયાન યાત્રા
ભારતીય સંસ્કૃતિની બેજોડ ધરોહર સમાન અને પરમ શાંતિ આપતા આધ્યાત્મિક જ્ઞાનથી વિદેશી લોકો એટલી હદે પ્રભાવિત થયા છે કે, સંસારની મોહમાયા છોડી ભગવા કપડાં ધારણ કરી લઈ રામાયણ, ભગવદ ગીતા, મહાભારત સહિતના ધર્મગ્રંથોના ઉંડા અભ્યાસમાં ઓતપ્રોત બની ધર્મગ્રંથોમાં રહેલા જીવનના સત્યની વાત લોકો સુધી પહોંચડવા બીડું ઝડપ્યું છે. ઇસ્કોન અને સનાતન ધર્મ સાથે સંકળાયેલા સાધુ સંતો સાથે જોડાયેલ ફોરેનર્સ હાલમાં હરે ક્રિષ્ના… હરે રામા… ધૂન સાથે મોરબીમાં પરિભ્રમણ કરીને ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આખી મંડળી ગત રાત્રે મોરબીના સતવારા સમાજના બોરીયાપાટી વિસ્તારમાં આવેલ શ્રી રામજી મંદિર ખાતે કિર્તન અર્થે પધારેલ અને લાલજીભાઇ કેશવજીભાઇ જાદવના આંગણે ફળાહાર બાદ હરે ક્રિષ્ના…હરે રામા ધુનની રમઝટ બોલાવી હતી. જેમા આમંત્રીત મહેમાનો મન ભરીને ઝુમી ઉઠ્યા હતા.
યુ.કે., યુ.એસ., અમેરિકા રશિયામાં વસતા કેટલાક નાગરિકોને ભારતીય સંસ્કૃતિ વિશે વિશેષ રુચિ જાગતા અનેક લોકો જુદા-જુદા ભારતીય ધર્મ સંપ્રદાય સાથે એક તાંતણે બંધાઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો અનેરો મહિમા છે. એ જાણીને આ વિદેશી નાગરિકોને ભારતીય સંસ્કૃતિમાં રુચિ કેળવી ભગવદ ગીતા, રામાયણ, મહાભારત તેમજ ભગવાન શ્રીકૃષ્ણના વૈવિધ્ય સભર અધ્યાત્મિક જ્ઞાન આપતા પુસ્તકોનો ઊંડો અભ્યાસ કરી આ પુસ્તકોને ખરા અર્થમાં જીવનમાં ઉતારી અને ધર્મગ્રંથોમાં રહેલા માનવ જીવનના સત્યને લોકો સુધી પહોંચાડવા માટે ઇસ્કોન સંસ્થા સાથે જોડાઈ ભારતભરમાં ધર્મ પ્રચારનું કાર્ય કરી રહ્યા છે.
દ્રારકા સહિત સમગ્ર ભારતમાં ઇસ્કોન અને સનાતન ધર્મનું જતન કરતી સંસ્થા અને સાધુ સંતોના સંપર્કમાં આવ્યા બાદ વિદેશથી ભારતમાં વસેલા પ્રહલાદ પ્રિય દાસ, શ્રુત દેવદાસ, નાયક ગોવિંદ દાસ, દીનદયા દાસ અને અલંકિત ગૌર દાસ સહિતના ધર્મ પ્રચારકો ધર્મગ્રંથોમાં રહેલા જીવન મૂલ્યોના સંદેશ લોકો સુધી પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું છે. હાલ આ સાધુ સંતો અને વિદેશોઓ મોરબીમાં પરિભ્રમણ કરી રહ્યા છે.