પ્રાદેશિક માહિતી કચેરી ખાતે નોંધાયેલ પરંપરાગત માધ્યમોના કલાકારો દ્વારા
જામકંડોરણા ખાતે વિદ્યાર્થિનીઓને મનોરંજન સાથે યોજનાઓની માહિતી અપાઈ
નાટક દ્વારા સ્વચ્છતા હી સેવા, બેટી બચાવો બેટી પઢાવો સહિત વિષયો પર અપાયું માર્ગદર્શન
પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે નોંધાયેલા કલાકારો દ્વારા જામકંડોરણા ખાતે નાટક દ્વારા સરકારની યોજનાઓની જાણકારી અપાઈ હતી.
જામકંડોરણા ખાતે આવેલ સ્વ નંદુબેન હંસરાજભાઈ રાદડિયા આર્ટસ, કોમર્સ એન્ડ એમ.કોમ કોલેજ ખાતે પરંપરાગત માધ્યમોના કલાકારોની ટીમ દ્વારા નાટકના માધ્યમથી મનોરંજન સાથે સરકારી યોજનાઓની માહિતી પીરસવામાં આવી હતી.જેમાં વિવિધ પાત્રો દ્વારા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને મનોરંજન સાથે સ્વચ્છતા હી સેવા, દિકરો દિકરી એક સમાન,બેટી બચાવો બેટી પઢાવો, શિક્ષણનું મહત્વ, પ્રાકૃતિક ખેતી વગેરે મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ હળવી શૈલીમાં ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે,સરકારની જન કલ્યાણ લક્ષી યોજનાઓની જાણકારી મળે, પરંપરાગત માધ્યમોના કલાકારોને રોજગારી મળે,વધુ લોકો સુધી પરંપરાગત માધ્યમ પહોંચી શકે તે હેતુથી પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ દ્વારા યોજાતા કાર્યક્રમોના ભાગરૂપે નાટક મંડળ દ્વારા નાટક યોજાયું હતું.આ તકે કોલેજના આચાર્ય, શિક્ષકો તથા બહોળી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર નાના કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડે છે. પરંપરાગત માધ્યમો જળવાઈ રહે તેનું જતન થાય તે માટે રાજ્ય સરકારના દિશા નિર્દેશનમાં માહિતી નિયામકની કચેરી દ્વારા ડાયરો, ભવાઈ, નાટક, કઠપૂતળી જેવા માધ્યમોને પ્રોત્સાહન આપવામાં આવે છે.