પિતાએ કહ્યું: ‘જો બેટા, છ મહિનામાં તું કૈક કરી નહિ બતાવે તો હું તારા લગ્ન કરાવી દઈશ, અને નિધિ સિવાચ IAS બની ગઈ..
હા, તમે ધારો તે થઈ શકે છે… છ મહિના પોતાની જાતને એક રૂમમાં પુરી, તનતોડ મહેનત કરી ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે… તેવું સાબિત કરી આપ્યું છે નિધિએ.
મૂળ ગુરુગ્રામ હરિયાણાની રહેવાસી નિધિનો પ્રારંભિક અભ્યાસ પણ ત્યાં જ થયો. કોલેજમાં ગ્રેજ્યુએટ થયા પછી મિકેનિકલ એન્જીનીયર થઈ તે હૈદરાબાદની એક કંપનીમાં જોબ કરવા લાગી. બે વર્ષ કામ કર્યું પણ આત્મસંતોષ ન થયો. નિધિ કશુક એવું કરવા ઇચ્છતી હતી જેમાં દેશનું ભલુ થાય. ત્યારબાદ તેણે AFCATની લેખિત પરીક્ષા પાસ કરી. પછીથી આપેલ SSBના ઈન્ટરવ્યુએ તેની જિંદગી બદલી નાખી. ઇન્ટરવ્યૂમાં તેને કહેવામાં આવ્યું કે તેને ડિફેન્સની જગ્યાએ સિવિલ સર્વિસ પસંદ કરવી જોઈએ. અને નિધિને જાણે કે જિંદગીનો મકસદ મળી ગયો.
મિત્રો, જે લોકો પોતાની સેફટી અથવા સુરક્ષા જ વિચારે છે અને સામાન્ય નોકરી મેળવી લે છે તે ક્યારેય મોટી સફળતા મેળવી શકતા નથી. કમ્ફર્ટ જોનમાં બહાર નીકળે છે તે જ લોકો મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે.
નિધિ ઘરમાં ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી. આ બાજુ માતા-પિતા પણ મોટી દીકરીના લગ્ન કરાવી પોતાની જવાબદારી પૂર્ણ કરવા માંગતા હતા. પરંતુ નિધિનો ગોલ જુદો જ હતો. તેણે તો સિવિલ સર્વિસમાં જવાનું નક્કી કરી લીધું હતું. તેના માટે જ તેણે નોકરી પણ છોડી દીધેલી. કોઈપણ જાતના કોચિંગ વગર ઘરમાં જ તેણે તૈયારી શરૂ કરી. UPSC માં બે વખત નિષ્ફળતા મળતા ઘરના લોકોએ તેની સાથે એક શરત રાખી. ત્રીજી ટ્રાયમાં તે સફળ ન થાય તો તેણે લગ્ન કરવા પડશે. નિધિએ પણ આ શરત સ્વીકારી. હવે તેની પાસે એક જ રસ્તો હતો. કોઈપણ ભોગે UPSC ક્રેક કરવી.
નિધિએ છ મહિના પોતાની જાતને ઘરના એક રૂમમાં કેદ કરી. ઘરના લોકોની વચ્ચે રહી ધ્યાન કેન્દ્રિત કરવું કપરું હતું, છતાં તે હિંમત ન હારી. કોઈપણ જાતના કોચિંગ વગર જ તેણે રાત-દિ’ જબરી મહેનત કરી. કોઈ સોશિયલ મીડિયાનો સંપર્ક પણ ન રાખ્યો. સંપૂર્ણપણે ધ્યાન ફક્ત UPSC પર જ કેન્દ્રિત કર્યું.
અને જાણે કે નસીબે પણ સાથ આપ્યો. અંતે 2019માં ત્રીજા પ્રયત્ને 83માં રેંક સાથે નિધિ upsc પાસ કરી IAS બની.
નિધિ કહે છે કે, “દરેક ઉમેદવાર પરીક્ષા પાસ કરવા જ ઇચ્છતો હોય છે પરંતુ નાની નાની ભૂલેને કારણે તેને સફળતા નથી મળતી. UPSC જેવી પરીક્ષામાં નિષ્ફળતાથી નાસીપાસ થવાની જરૂર નથી. આપણે જે ભૂલો કરીએ છીએ તેને સુધારતા જવાનું છે. આવી ભૂલો સુધારી સાચી તથા યોગ્ય દિશાની મહેનત અને ઈમાનદારી તમને ચોક્કસ સફળતા અપાવશે. માટે હિંમત હાર્યા વગર મંડ્યા રહો. જો ગોલ નક્કી હશે તો તમારો વિજય પણ નક્કી છે.”
મિત્રો, તમે પણ નિધિની જેમ નક્કી કરેલો ગોલ પ્રાપ્ત કરી ઉત્તરોત્તર પ્રગતિના પગથિયાં સર કરતા રહો તેવી શુભેચ્છાઓ.
– સુનિલ જાદવ