મોરબી તાલુકાના પાનેલી ગામે સાસરિયાઓના ત્રાસથી પિતાના ઘરે રિસામણે બેઠેલા પરિણીતાએ પોતાના સસરાના ઘર નજીક રમતા તેમના પુત્રને તેડતા સાસરિયા પક્ષના સભ્યોએ તેમને માર મર્યાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પાનેલી ગામે નવાપરા વિસ્તારમાં રહેતા જોશનાબેન ગુણવંતભાઇ ચાવડા નામની પરિણીતા તેના સસરિયાઓના ત્રાસથી કંટાળી પિતા દેવજીભાઇ હડીયલના ઘરે રહે છે. તેવામાં ગઈકાલે જોશનાબેન તેમજ તેના ભાભી રમાબેન પોતાના સસરાના ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ જોશનાબેનનો પુત્ર બહાર રમતો હોવાથી પોતાના પુત્રને રમાડવા તેડતા સાસરિયા પક્ષના સભ્યો જોઈ ગયા હતા જે ન ગમતા પતિ ગુણવંતભાઇ ચાવડા, ભુરાભાઇ દાનાભાઇ ચાવડા, જયેશભાઇ ચાવડા અને હરેશભાઇ ચાવડા સહિતનાઓએ જોશનાબેન અને રમાબેનને માર માર્યો હતો ઉપરાંત જોશનાબેનના પિતાના ઘરે જઈ ઝઘડો કરતા હતા આ દરમિયાન મુકેશભાઈ વચ્ચે પડતા તેઓને કુહાડાના ઘા ઝીકતા ઇજા પહોંચી હતી આથી જોશનાબેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.