કોરોનાકાળમાં પણ યુવાનોને ઓનલાઇન ભરતી મેળા યોજીને રોજગારી અપાઇ
મોરબી: રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયવ્યાપી શરૂ કરાયેલા સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે યુવા શક્તિ દિન નિમિત્તે રાજયના અન્ન નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યુવાશક્તિ દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રે ભરતી પામેલ ઉમેદવારોને નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી નગરપાલિકા ટાઉનહોલ ખાતે આયોજિત યુવા શક્તિ દિન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રોજગાર કચેરી દ્વારા યોજાયેલ ભરતી મેળા દ્વારા થયેલ પ્લેસમેન્ટ, એપ્રેન્ટીસશીપ યોજનાના પ્લેસમેન્ટ, કોલેજમાં થયેલ ભરતી મેળાના પ્લેસમેન્ટ, સરકારી કચેરીઓમાં પ્લેસમેન્ટ પામેલ ૮૩૭ ઉમેદવારોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સુરત ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રોજગારી માટેના વેબપોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશન “અનુબંધમ” મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર રાજયકક્ષાના મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ મોરબી જિલ્લાની યુવાશક્તિને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વને પાંચ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી નહી પરંતુ રાજયની પ્રગતિ અને વિકાસકાર્યો માટે સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. આ સેવાયજ્ઞથી સૌરાષ્ટ્રની ઔદ્યોગિક નગરી મોરબીમાં યુવાશકિતને રોજગારી આપવામાં આવી છે. એટલું જ નહીં સરકારે પ્રાઇવેટ ક્ષેત્રના નોકરીદાતાઓ અને નોકરીવાંચ્છુકોને એક મંચ પર લાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતના યુવાનો ભારતીય સેનામાં જઇ રાષ્ટ્રની રક્ષા માટે જોડાઇ શકે તે હેતુથી વિશેષ લશ્કરી ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવતા હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.

ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ આ તકે ઉપસ્થિત યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના સંર્વાગી વિકાસની પ્રતિતિ કરાવવાનો આ રૂડો અવસર છે. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વને સુશાસનના પાંચ વર્ષના માધ્યમથી ગુજરાતને અનેક લાભો મળ્યા છે. લર્નીંગ વિથ અર્નીંગ અને કુશળ કારીગરોને રોજગારી પૂરી પાડવાની દિશામાં સરકાર સતત પ્રયોસો કરી સફળતાપૂર્વક રોજગાર મેળાનું આયોજન કરી રહી છે. કોરોનાકાળમાં પણ સરકારે ઓનલાઇન રોજગારી મેળાઓ યોજીને પણ યુવાનોને રોજગારી આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ આજના દિવસે રોજગારીના હુકમો મેળવનાર યુવાનોને શુભેચ્છા પાઠવી હતી અને પોતાનું કૌશલ્ય વધુને વધુ વિકસાવવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર રાજયકક્ષાના મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, અધિક કલેક્ટર એન.કે.મુછાર, મદદનીશ શ્રમ આયુક્ત અધિકારી ડી.જે. મહેતા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, જિલ્લા રોજગારી અધિકારી બી.ડી. જોબનપુત્રા, મામલતદાર ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા અનુસાર લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.