Friday, April 4, 2025

પહેલી ઓક્ટોબર એટલે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ

Advertisement
Advertisement
Advertisement

પહેલી ઓક્ટોબર એટલે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ

વિશ્વમાં કોફીના વેપાર-ઉત્પાદનને પ્રોત્સાહન આપવા થાય છે ઉજવણી

પહેલી ઓક્ટોબર વિશ્વ કોફી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કોફી સંગઠનના ૭૭ સભ્ય દેશો તેમજ કેટલાક કોફી સંગઠનો તેને વિવિધ રીતે મનાવે છે. આ દિવસની ઉજવણીનો એક હેતુ કોફીના વેપાર-ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે આ એક એવો અવસર છે, જ્યાં કોફી પ્રેમીઓ પોતાના મનપસંદ પીણા સાથેની વાતો અને લાગણીઓ વહેંચતા હોય છે. વર્ષ ૨૦૨૪ માટે આઈ.સી.ઓ.એ ‘‘કોફીઃ યોર ડેઈલી રીચ્યુઅલ, અવર શેર્ડ જર્ની’’ વહેતું કર્યું છે.

આંતરરાષ્ટ્રીય કોફી સંગઠને વર્ષ ૨૦૧૫માં ઈટાલીના મિલાનમાં પહેલો વિશ્વ કોફી દિવસ આયોજીત કર્યો હતો. ત્યારથી, પહેલી ઓક્ટોબર કોફી ડે તરીકે ઉજવવામાં આવતો રહ્યો છે. વિશ્વભરમાં કોફીના ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા પણ આ દિવસ મનાવાય છે.

વિશેષકોના મતે, કોફીનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી તણાવ દૂર થાય છે. કોફીમાં કેફીન નામનું તત્ત્વ છે જે મગજને જાગૃત બનાવે છે અને શરીરમાં એનર્જી ભરી દે છે. જો કે તેનું મર્યાદિત સેવન કરવું હિતાવહ છે. કોફી એન્ટિઓક્સિડેન્ટનો મોટો સ્ત્રોત મનાય છે.

નોંધનીય છે કે, ભારતમાં બેંગલુરુએ વર્ષ ૨૦૨૩માં સપ્ટેમ્બર માસમાં એશિયામાં પ્રથમ વખત યોજાનારી વર્લ્ડ કોફી કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જે દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વના ૮૦ દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આમાં કોફીની ખેતી કરતા, તેને પ્રોસેસ કરીને ગ્રાહકો સુધી પહોંચાડનારા લોકો અને કંપનીઓ સામેલ હતી.

ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ૧૯૬૩માં કરવામાં આવી હતી. આ પહેલા વર્ષ ૧૯૬૨માં આંતરરાષ્ટ્રીય કોફી કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે પછી આ સંસ્થાની જરૂરિયાત અનુભવાઈ હતી. આઈ.સી.ઓ. વિશ્વના ૯૩ ટકા કોફી ઉત્પાદનનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું હેડક્વાર્ટર લંડનમાં છે. સંસ્થાનો મૂળ ઉદ્દેશ્ય કોફી સંબંધિત તમામ શેરધારકોના હિતોને ધ્યાનમાં રાખીને બજારની જરૂરિયાતો અનુસાર નીતિ અને સંશોધન પર કામ કરવાનો છે.

ભારતમાં ભારતીય કોફી બોર્ડ કોફીના ઉત્પાદન-ખપતને-નિકાસને વેગ આપવા માટે કામગીરી કરે છે. કોફી બોર્ડ એ સરકારનું અભિન્ન અંગ છે. તેની રચના કોફી એક્ટ ૧૯૪૨ હેઠળ કરવામાં આવી હતી. બોર્ડ તેની જવાબદારીઓ સીધી રીતે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ નિભાવે છે. બોર્ડનું સંચાલન બેંગલુરુથી જ થાય છે. જેમાં અધ્યક્ષ સહિત ૩૩ સભ્યો છે. બોર્ડની મુખ્ય જવાબદારી સંશોધન અને વિકાસ પર કામ કરવાની છે.

ભારતમાં કોફીની ખેતી પહાડી વિસ્તારોમાં થાય છે. દેશના કુલ ઉત્પાદનમાં કર્ણાટકનો હિસ્સો અંદાજે ૭૦ ટકા છે. અન્ય મુખ્ય કોફી ઉત્પાદક રાજ્યો કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશા છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ કોફીની ખેતી થાય છે. અરેબિકા એ કોફીની જાણીતી જાત છે. ભારતમાં અરેબિકાની ખેતી આશરે ૬૦ ટકા જેટલી છે.

એક અંદાજ મુજબ, ભારતમાં લગભગ ત્રણ લાખ ખેડૂતો કોફીની ખેતી કરે છે. તેમાંથી મોટાભાગના નાના ખેડૂતો છે. અહીં ઉગાડવામાં આવતી અંદાજે ૭૦થી ૮૦ ટકા કોફીની નિકાસ થાય છે. બાકીનો ઉપયોગ દેશમાં થાય છે.

ભારત દેશમાં કોફીની ખેતીનો ઈતિહાસ બાબા બુદાન ગિરીના નામ સાથે જોડાયેલો હોવાનું મનાય છે, જેઓ ૧૫મી સદીમાં મક્કાની યાત્રાએ ગયા હતા. ત્યાંથી પોતાની સાથે સાત બીજ લાવ્યા હતા અને મૈસૂરની ચંદ્રગિરી પહાડીઓ પર રોપ્યા હતા. ભારતમાં ખેડૂતોએ વર્ષ ૧૬૭૦થી તેની ખેતી કરવાનું શરૂ કર્યું અને આજે દક્ષિણ ભારતીય રાજ્યો કોફીના ઉત્પાદનમાં અગ્રેસર છે.

એક અંદાજ મુજબ, વિશ્વમાં બ્રાઝિલ દેશ કોફીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. અન્ય મુખ્ય ઉત્પાદક દેશોમાં વિયેતનામ, કોલંબિયા, ઇન્ડોનેશિયા, પેરુ, યુગાન્ડા, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને ઇથોપિયા, ભારત વગેરનો સમાવેશ થાય છે.

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW