નેશનલ ક્રાઈમ બ્યુરોના એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં દર કલાકે બળાત્કારનો અપરાધ આચરવામાં આવે છે: બકુલા સોલંકી
નેશનલ ક્રાઈમ બ્યુરોના એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં દર કલાકે કોઈને કોઈ પર બળાત્કારનો અપરાધ આચરવામાં આવે છે. મોટાભાગે જોવા મળે છે કે ભારતમાં બળાત્કારની ઘટનાઓ એટલી ભયાનક હોય છે કે દેશમાં તે હેડલાઇન્સની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ચર્ચાનો વિષય બને છે.
કોઈની મરજી, ગમા-અણગમાની પરવા કર્યા સિવાય સર્જાતી ઘટના એટલે બળાત્કાર…
કોઈપણ અખબારના પાના પર નજર નાખતાની સાથે જ ચાનો કપ હાથમાં થી રહી જાય છે અને ચાની ચૂસકી લેવાનું ભુલાઈ જાય છે કારણ કે હત્યા અને બળાત્કારના સમાચારોની વણઝાર જોવા મળે છે અચૂક વાંચવા મળતા આ સમાચારો વિચારશીલ વ્યક્તિને વિચારોના વમળમાં ફંગોળી નાખે છે. બળાત્કારના આંકડાઓ પર નજર પડતા ભલભલી સ્ત્રીઓ તો ઠીક પરંતુ સ્ત્રી સ્વાતંત્ર્યના હિમાયતીઓની છાતીના પાટીયા બેસી જાય છે…
દર વર્ષે બળાત્કાર ના લગભગ હજારો કિસ્સા સામે આવે છે. જેમાં 14 થી 30 વર્ષની છોકરીઓ આનો શિકાર બનતી હોય છે. અને સૌથી શરમજનક શરમજનક વાત તો એ છે કે ૭૦ વર્ષની વૃદ્ધા અને ચાર વર્ષની માસૂમ બાળકી પણ આ અત્યાચારનો ભોગ બની રહ્યા છે. નોંધાયેલા કરતા નહી નોંધાયેલા કિસ્સાઓનું પ્રમાણ બમણાં કરતાં પણ અધિક છે.
એક સમયે કન્યા દૂધપીતી કરાતી અને હવેના સમયમાં લિંગ નિદાન થતાં જ કન્યાને ભ્રુણ સ્વરૂપે આ જગતમાંથી વિદાય કરાય છે સામુહિક બળાત્કારના કિસ્સાઓને મીડિયા દ્વારા ચગાવાય છે.
ત્યારે આખો દેશ થથરી ઊઠે છે, પણ ઘર આંગણે આપણા ઘરમાં જ થતા બળાત્કારના કિસ્સાઓ માટે આપણે આંખ આડા કાન નથી કરતા પણ આંખ આડો પહાળ જ કરીએ છીએ. કુટુંબમાં જ થતા બળાત્કારો ખામોશીની દુનિયામાં ખોવાઈ જાય છે. મોટાભાગના કિસ્સાઓમાં અપરાધી અજનબી નહીં પણ સ્ત્રીની ઓળખનાજ હોય છે તેમાં પણ મુખ્યત્વે નજીકના સગા અથવા આડોશી-પાડોશી સંડોવાયેલા હોય છે…..
આપણા બધા નેતાઓ, વિચારકો, ચિંતકો કહે છે કે ” સ્ત્રીઓના વિકાસ સિવાય દેશની ઉન્નતિ શક્ય નથી,” પરંતુ આજે પણ આપણા દેશની સ્ત્રીઓની શું દશા છે ? થોડીક સ્ત્રીઓ હોદ્દા થી ઉચ્ચપદ પર પહોંચે છે પણ સ્ત્રીનું સ્થાન ક્યાં છે ? થોડા ઊંડાણથી તપાસતા નારીઓ પર શું વીતે છે એ જાણતાં શરમથી માથું ઝુકી જાય છે. બહારથી હસતી દેખાતી એ નારીની આહ અને ડુસકાને સમજવાની કોશિશ કરવી રહી…
સ્ત્રીઓની સઘડી સમસ્યાઓની જડમાં આપણી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા છે. બળાત્કારનો પ્રશ્ન કાયદાનો નહીં સંસ્કારનો છે.
આપણી સ્ત્રી વિરોધીતા એકદમ સ્પષ્ટ છે પુરૂષ પ્રધાન સમાજમાં મહિલાઓનું સન્માન કરવાનું શીખવાડાતુ જ નથી. વધારે પડતાતો પરિવારોમાં દીકરાઓ મા પર થતાં અત્યાચારો જોઈ જોઈને મોટા થતા હોય છે. મોટા થઈને એ પણ સ્ત્રીઓ પર પોતાનો અધિકાર સમજતા થઈ જાય છે માટે જ તો સડકો પર સ્કૂલ-કોલેજોમાં, સ્ટેશન પર કે ઓફિસમાં પુરુષો સ્ત્રીઓને તાકી તાકીને જુએ છે. બળાત્કારનો પ્રશ્ન માત્ર કાનૂન વ્યવસ્થાથી હલ થવાનો નથી. આ અપરાધની જડ સામાજિક વ્યવસ્થા અને માહોલમાં જ છે….
ટીવી પર જોવા મળતી અસંખ્ય જાહેરાતોમાં, ફિલ્મોમાં અને મેગેઝિનોમાં સ્ત્રીને એક ખૂબસૂરત ઢીંગલી ની માફક જ બતાવવામાં આવે છે. પહેલવાનોથી ઘેરાયેલી ” હલકટ જવાની ” માં નૃત્ય કરતી અભિનેત્રીઓ તો બધી રીતે સલામત હોય છે પરંતુ એને જોયા પછી ઉશ્કેરાયેલા જુવાનિયાઓ વિવેક ચૂકે છે, અને રાક્ષસ બની અને ન કરવાનું કૃત્ય કરે છે…
આપણા દેશમાં ” બેટી બચાવો “ની ઝુંબેશ ચાલે છે. ભૃણહત્યાને પાપ ગણાવે છે. પરંતુ દીકરીના મા-બાપની પીડા સમજતા નથી, શા માટે મા-બાપ દીકરીને બદલે દીકરો ઈચ્છે છે ? તેના મૂળમાં કોઇ જતુ નથી. દીકરીઓની અસલામતીથી લઈ દહેજ, સાસરીયા ના સિતમ સહિતના પીડાદાયક મુદ્દે કોઈ મા-બાપની પડખે ઊભુ રહેતું નથી. દીકરી ના દર્દ વખતે મા-બાપ બિચારાં આંસુ સારતા રહે છે, બળાત્કારનો ભોગ બનેલી દિકરીને જોઈને મા-બાપ તો જીવતા જીવ નરક ભોગવે છે. તેમની આ લાચારી જોઈને બીજા દંપતીઓને આ દુઃખ થી બચવા નો વિચાર આવે તે સ્વાભાવિક છે. દીકરી નું તો જીવન જ બરબાદ થઈ જાય છે, અને એને પોતાનું જીવન ભારરૂપ લાગવા લાગે છે…
સમાજમાં વધતા આવા અત્યાચાર-બળાત્કારના કિસ્સા ને અટકાવવા માટે સ્ત્રીઓએ બળાત્કાર સામે અવાજ ઉઠાવવો જોઇએ .એના માટે સ્ત્રીઓએ પોતાનું મનોબળ વધારવુ જરૂરી છે .કારણ કે અમુક બંધન તેણે પોતે સ્વીકારી લીધા છે, તેમાંથી બહાર નીકળવું જરૂરી છે. આજે ઘણી સ્ત્રીઓ પોતાની પાસે બંદૂક રાખતી થઇ ગઇ છે.
સ્ત્રીઓએ તો જુડો-કરાટે વગેરેની તાલીમ દ્વારા પોતાને શારિરીક રીતે સક્ષમ બનાવવાની જરૂર છે. કૌટુંબિક વાતાવરણ પણ સ્ત્રીને માનની નજરથી જોવાય એવું બનાવવું જોઈએ. માતા-પિતાઓએ નાનપણથી જ બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે….
લાગણી કે અંધશ્રદ્ધા અથવા આંધળો વિશ્વાસ રાખીને પણ સ્ત્રી અત્યાચારનો ભોગ બનતી હોય છે. તેની સામે સ્ત્રી વધારે જાગૃત બને તે જરૂરી છે. કોઇપણ પુરૂષનો જલ્દી વિશ્વાસ ન કરવો, સામેની વ્યક્તિને પારખવાની શક્તિ વધારે તે સ્ત્રી માટે જરૂરી છે. કટોકટીના સમયે, કોઈપણ જાતની ગભરાહટ વગર સામેવાળાને પૂરી શક્તિથી ફટકારવાથી તેની પૂરી સાત પેઢી યાદ આવી જાય.
કાયદા દ્વારા પણ સ્ત્રીઓને રક્ષણ મળવું જોઈએ. યુવતીઓની છેડતી કરનારાઓને ધોળા દિવસે તારા દેખાડવામા આવે તો કોઈની મજાલ છે કે બીજી વાર કોઈની બેન, દિકરીને પજવે ?
તો ચાલો આપણે પણ એક એવા સમાજની રચના કરીએ કે જેમાં નારીના માન-સન્માનની રક્ષા થાય, અને ગુનેગારોને પણ સમાજની સખ્તીનો અને કાયદાનો ડર લાગવા લાગે. નારી અપમાનને નિભાવી લેતા સમાજમાં જાગૃતિ લાવી અત્યંત જરૂરી છે, બળાત્કારના ગુનાને હત્યાની સમકક્ષ ગણવુ જોઈએ અને ફાંસી સુધીની આકરી સજા હોવી જોઈએ. મહિલા સલામતીના મુદ્દે
ભારત વિશ્વમાં વિશાળ બને એવી જ ઇચ્છા …..
લેખ:- બકુલા સોલંકી