• શું કોરોના બાળકોને થઈ શકે
• ચેપ ક્યાથી અને કેવી રીતે લાગે? નાના બાળકોમાં કોરોના ના ક્યા લક્ષણો જોવા મળે છે?
• ક્યાં પ્રકારના રીપોર્ટ કરાવવા? બાળકની કઈ રીતે સારવાર કરવી?
• કઈ રીતે સંક્રમણથી બચાવવુ? વગેરે બાબતો અંગે માહીતી આપતા સ્પર્શ બાળકોની હોસ્પીટલ વાળા ડો. મનિષ સનારીયા
(અહેવાલ: નિર્મિત કક્કડ) મોરબી: પ્રવર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય તેમજ મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત રહ્યો નથી. દીન-પ્રતિદીન કોરોનાના કેસ તેમજ મૃત્યુઆંક વધી રહ્યો છે. ત્યારે દરેક લોકોને ઘરના વડીલોની સાથે નાના બાળકોની ચિંતા સતાવતી હોય છે. કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં નવજાત શિશુ ઉપરાંત નાના બાળકોમાં પણ કોરોનાનો ચેપ લાગવાનુ પ્રમાણ વધ્યું છે. ત્યારે માત-પિતાને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ અંગે મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબ સ્પર્શ બાળકોની હોસ્પીટલવાળા ડો. મનિષ સનારીયાએ જરૂરી મહત્વ પુર્ણ સુચનો કર્યા છે. જે નીચે મુજબ છે.
• શું કોરોનાનું ઈન્ફેક્શન બાળકોને થઈ શકે?: હા, પ્રથમ વેવની સરખામણીએ બીજી વેવમાં બાળકમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળે છે. પરંતુ મોટાભાગના બાળકોમાં ગંભીર લક્ષણો જોવા મળતા નથી તેથી તેઓ સાજા થઈ જાય છે.
• બાળકોને ચેપ ક્યાંથી લાગી શકે?: બહારથી આવતા ઘરના વડીલો તથા શેરી-ગલ્લાઓમાં રમતાં બાળકો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા ચેપગ્રસ્ત થઈ શકે.
• નાના બાળકોમાં કોરોનાના ક્યાં પ્રકારના લક્ષણો જોવા મળે છે?: સામન્ય રીતે તાવ, શરદી-ખાંસી, ઉલ્ટી, ઝાડા, શરીર-પેટ-માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ જો સંક્રમણ વધારે ફેલાય તો ખુબ જ અશક્તિ, ખોરાક બંધ થઈ જવો, ખુબ જ ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે.
• ક્યાં પ્રકારના રીપોર્ટથી બાળકોમાં કોરોના જાણી શકાય?: સામાન્ય રીતે નાકમાંથી સેમ્પલ લઈ રેપીચ એન્ટિજન ટેસ્ટ અથવા RTPCR ટેસ્ટ દ્વારા કોરોનાની તપાસ થઈ શકે. ઘણી વખત રેપીડ ટેસ્ટ નેગેટીવ આવે તો પણ લક્ષણો જણાતા RTPCR ટેસ્ટ કરાવવો હીતાવહ છે. મોટા ભાગના બાળકોમાં સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે. તેથી બ્લડ ટેસ્ટની કોઈ આવશ્યકતા રહેતી નથી. પરંતુ ગંભીર લક્ષણો ધરાવતા બાળકો માટે ડોક્ટરની સલાહ મુજબ CBC, CRP, SGPT, LFT, D-dimer, S.Ferritine સહીતના ટેસ્ટ કરાવવામાં આવે છે.
• બાળકોનો કોરોના ટેસ્ટ ક્યારે કરાવવો?: ઘરમાં કોઈ વ્યક્તિ કોરોના પોઝીટીવ આવે , ઘરના કોઈ સભ્ય કે બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો પરિવારના દરેક સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવો હીતાવહ છે. જેથી સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય.
• બાળકોના RTPCR ટેસ્ટમાં ct વેલ્યુ ઓછી હોય તો તે ગંભીર બાબત છે?: ના, બાળકો ના ટેસ્ટમાં ct વેલ્યુ મહત્વની નથી. તેના પરથી ગંભીરતાનો અંદાજ ન લગાવી શકાય.
• શું બાળકોમાં છાતીનો સીટી સ્કેન કરાવવો જરૂરી છે?: ના, મોટાભાગ બાળકોમાં ફેફસામાં ચેપ ઝડપથી ફેલાતો નથી તેથી તેવા બાળકોનો સીટી સ્કેન જરૂરી નથી. પરંતુ અમુક કેસમાં બાળકોમાં ગંભીર લક્ષણો જણાય તો ડોક્ટરની સલાહથી સીટી સ્કેન કરાવવામાં આવે છે.
• બાળકોને કોરોના થાય તો કઈ સારવાર આપવામાં આવે છે?: મોટાભાગમાં બાળકોમાં કોરોનાના સામાન્ય લક્ષણો જ જોવા મળતા હોય છે. જેથી તેમને માત્ર તાવ, ખાંસી તેમજ સામાન્ય એન્ટી બાયોટીક જેવી દવાઓ આપવાથી સાજા થઈ જતા હોય છે. પરંતુ ગંભીર લક્ષણો ધરાવતા બાળકોને લક્ષણો પ્રમાણે દવા આપવામાં આવે છે.
• કોરોનાગ્રસ્ત બાળકની ઘરે કઈ રીતે સારવાર કરવી?: ડોક્ટરની સલાહ મુજબ દવા આપવી, ખુબ પાણી પીવડાવવુ, ઘરે બનાવેલો તાજો સંતુલીત આહાર આપવો, હુંફાળુ પાણી આપવુ, શક્ય હોય તો સવાર-સાંજ વરાળનો નાશ આપવો.
• બાળક સંક્રમિત થાય તો તેને ૧૪ દીવસ આઈસોલેટ કઈ રીતે કરવું? તે એકલું કઈ રીતે રહી શકે?: સામાન્ય રીતે ઘરના વ્યક્તિ સંક્રમિત થાય તો જ બાળક સંક્રમિત થાય છે. તેથી બાળકને એકલું ન રાખવુ. માતા-પિતા સાથે જ રાખવું પરંતુ જે લોકો સંક્રમિત ન હોય તેમણે માસ્ક પહેરવુ, સેનિટાઈઝર સહીતની તકેદારી રાખવી. ઘરના વડીલો તથા બિમારી ધરાવતા લોકોથી સંક્રમિત બાળકને દુર રાખવું.
• ઘરમાં બધા કોરોના પોઝીટીવ છે, માત્ર બાળક જ નેગેટીવ છે, તેને બીજાના ઘરે મોકલી દઈએ?: ના, બાળકમાં શંકાસ્પદ લક્ષણો ન હોય તો પણ તે પોઝીટીવ થવાની શક્યતાઓ રહેલી છે. માટે તેને બીજાના ઘરે મોકલીએ તો તે લોકોને પણ ચેપ લાગવાની શક્યતા રહેલી છે.
• કોરોના પોઝીટીવ માતા નવજાત શિશુને સ્તનપાન કરાવી શકે?: મોટાભાગે ડીલીવરી સમયે કોરોના પોઝીટીવ માતાનું બાળક પોઝીટીવ થઈ જ ગયેલ હોય છે. ગંભીર લક્ષણો ન જણાય તો રીપોર્ટની જરૂર રહેતી નથી. માતા માસ્ક પહેરીને બાળકને સ્તનપાન કરાવી શકે.
• નાના બાળકોને કોરોનાથી બચાવવા શું કરવું?: ઘરની દરેક બહાર જતી વ્યક્તિઓએ માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરવું, હેન્ડ સેનિટાઈઝેશન કરવું, બહારથી આવીને સ્નાન કરી લેવું, કપડા બદલીને જ બાળકની નજીક જવું. ઘરમાં કોઈ ને પણ શંકાસ્પદ લક્ષણો જણાય તો સેલ્ફ આઈસોલેટ થવું તેમજ તુરંત જ ટેસ્ટ કરાવી લેવો.
• બાળકને કુમળા મનને કોરોનાની માનસિક અસરથી બચાવવા શું કરવું ?: બાળકની સામે કોરોનાના વિશેની બહુ વાતો ન કરવી, કોરોનામાં મૃત્યું પામનાર વ્યક્તિઓ વિશે વાતો ન કરવી, બાળકને સર્જનાત્મક પ્રવૃતિઓ તરફ વાળવું, શાળા તરફથી આપવામાં આવતુ અભ્યાસકાર્ય કરાવવુ, બાળકના મિત્ર બની તેની સાથે સમય પસાર કરવો, બાળક પ્રફુલ્લિત રહે તેવુ વાતાવરણ સર્જવુ, ઘરમાં કોઈ હોમ આઈસોલેટ હોય તો બાળકને તેના વિશે યોગ્ય રીતે સમજાવવુ જેથી તેના મન પર નબળી અસર ન પડે.
• સ્તનપાન કરાવતી માતાને કોરોના પોઝીટીવ આવે તો બાળકને સ્તનપાન કરાવી શકાય?: સામાન્ય રીતે ૧.૫ વર્ષ સુધી બાળક સ્તનપાન કરતું હોય છે. ત્યારે સ્તનપાન કરાવતી માતાનો કોરોના પોઝીટીવ આવે તો તે સ્તનપાન કરાવી શકે પરંતુ તેણીએ સ્તનપાન કરાવતી વખતે ડબલ માસ્ક પહેરવું, વારંવાર હેન્ડવોશ તેમજ સેનિટાઈઝર કરવું તેમજ સ્તનપાનના કપડા અલગ રાખવા, સ્તનપાન કરાવ્યા બાદ બાળકને પોઝીટીવ માતાથી દુર રાખવુ. કોરોના પોઝીટીવ માતા એ સ્તનપાન કરાવતી વખતે બાળક સામે છીંક કે ઉધરસ ન ખાવી અથવા ડબલ માસ્કથી મોં ઢાકવુ સહીતની ડબલ કાળજી રાખવી.