ઓખા મંડળના આર.કે. બંદરમાં માછીમારી માટે આવીને રહેતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના એક માછીમાર રાત્રિના સમયે બોટના પાછળના ભાગે કુદરતી હાજત માટે ગયા પછી કોઈ રીતે દરિયામાં ઉથલી પડ્યા હતા. તેઓનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આર.કે. બંદર પર સીરાજી જેટી માં માછીમારી માટે આવીને રહેતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પણાદર ગામના કરશનભાઈ રામસીંગ વાળા (ઉ.વ.૪૧) નામના માછીમાર દરિયામાં માછીમારી માટે ગયા હતા.
તેઓ જ્યારે ગયા સોમવારે રાત્રે દરિયાકાંઠાથી ૧૧ નોટીકલ માઈલ દૂર હતા ત્યારે કુદરતી હાજતે જવા માટે બોટની પાછળ ગયા હતા. આ વેળાએ કોઈ રીતે દરિયામાં કરશનભાઈ ઉથલી પડતા ડૂબી ગયા હતા. તેઓને બહાર કાઢવા માટે સાથી માછીમારોએ પ્રયત્નો શરૂ કર્યા પછી કરશનભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રતાપભાઈ મશરીભાઈએ પોલીસને જાણ કરી છે. ઓખા પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.