(દિલીપ દલસાનિયા) વિશ્વનું સૌથી મોટું માનવ લિખિત બંધારણ ઘડી ભારત દેશ ના વિવિધ સંપ્રદાયો,ધર્મો જાતિઓ અને ભાષાઓ રૂપી મોતિઓ ને એક દોરા માં પરોવવા નું કામ જેમને કર્યું એ વિરલ વ્યક્તિત્વ એટલે બાબા સાહેબ, દેશની તમામ માનવજાતી ને સમાન હકો મળે અને સમાન પ્રતિનિધિત્વ મળે તેવી વિચારધારા ધરાવતા યુગ પુરુષ એટલે બાબા સાહેબ, દેશના તમામ વંચિતો ને યોગ્ય જીવન મળે તેવા પ્રયત્નો કરનાર એટલે બાબા સાહેબ, દેશની તમામ મહિલાઓને ઘરના ચૂલામાંથી બહાર કાઢી ઉચ્ચ હોદ્દા પર બિરાજીત કરનાર એટલે બાબા સાહેબ..
કહેવાય છે કે, જ્યારે કોઈ વ્યક્તિની પ્રતિભા અને તેની મહાનતાને સિમિત કરવી હોય ત્યારે તેમને કોઈ ચોક્કસ સમુદાય સાથે જોડી દેવા મા આવે છે, અને આપણા દેશની મોટામાં મોટી કમનસીબી કહો તો એ છે કે, જે વ્યક્તિએ બધા ધર્મો, સંપ્રદાયો અને જાતિઓથી પર રહી રાષ્ટ્ર ને સર્વવ્યાપી માન્યો છે. એ વ્યક્તિને દલિતોના નેતા કહી ને તેમની મહાનતાને મર્યાદિત કરી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
બાબા સાહેબે સંવિધાન લખતી વખતે દેશના એક-એક વ્યક્તિ નું ધ્યાન રાખી એમની જરૂરિયાત મુજબ ના હકો તેમને આપ્યા છે. આ દેશ ની જૂજ મહિલાઓને ખબર હશે હાલ આજે તેઓ જે સ્વતંત્રતા ભોગવી રહી છે. તે ફક્ત ને ફક્ત બાબા સાહેબે લખેલ સંવિધાનની બદોલત છે, સ્ત્રીઓ ને પુરુષો સમાન હકો, સગર્ભાવસ્થા દરમ્યાન મહિલા કર્મચારિયો ને ખાસ સવલતો, છૂટાછેડા અધિનિયમ, પેરેન્ટલ સંપત્તિ ઉપર અધિકારો, આવા અસંખ્ય હકો દેશની મહિલાઓને મળ્યા છે. જેનો શ્રેય બાબા સાહેબને જાય છે. દેશને સમાનતા સ્વતંત્રતા અને બંધુતાના પાઠ બાબા સાહેબે આપ્યા છે.
સમગ્ર વિશ્વ આજે કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે વિવિધતામાં એકતા ભરેલો આ દેશ, દેશના સંવિધાન થકી દેશમાં જુદા જુદા વાડાઓ હોવા છતાં એક થઈ અડીખમ ઉભો છે. એમણે આ દેશ માટે શું શું કર્યું છે. એ જાણવું હોય એમની દૂર દર્શીતા જોવી હોય તો એમને વાંચવા પડે એમને સમજવા પડે. તોજ એમના મહાન વ્યક્તિત્વ વિશે ખબર પડે બાકી લોકો પાસે જાણેલું જ્ઞાન ઘણું અધૂરું ખૂબ અધૂરું છે આ વ્યક્તિત્વ ને મુલવવા માટે……
આજે વિશ્વના ઇતિહાસમાં અકલ્પનિય, અપ્રતિમ, અતુલ્ય પ્રતિભાઓમાં બાબા સાહેબની તુલનાઓ થાય છે.
આવા મહામાનવ ને તેમની ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે હું દિલીપ દલસાનિયા કોટી કોટી વંદન કરું છું…..