ગુજરાત પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે, ત્યારે ધનુર્માસનો પ્રારંભ થતા ડાકોર અને દ્વારકામાં ભગવાનના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધનુર્માસનો પ્રારંભ થતા ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 06:45 વાગ્યે થતી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં હવે શ્રદ્ધાળુઓ સવારે 06:15 વાગ્યે મંગળા આરતીના દર્શન કરી શકશે. ધર્નુમાસ દરમિયાન રણછોડરાયજીને વિશેષ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. પ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિર ખાતે ધનુર્માસના ઉત્સવોમાં ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો હોવાથી 19-24 ડિસેમ્બર એટલે કે મંગળવાર અને ગુરુવારે સવારે 05:30 વાગ્યે મંગળા આરતી, 10:30 વાગ્યે અનોસર, સાંજે 05:00 વાગ્યે ઉત્થાપન અને ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. જ્યારે જાન્યુઆરી 2025માં પણ ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 07 અને 09 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 05:30 વાગ્યે મંગળા આરતી, 10:30 વાગ્યે અનોસર, સાંજે 05:00 વાગ્યે ઉત્થાપન અને ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.