ટંકારાના વિરવાવ ગામે ખેતરના શેઢા ખેડવા મામલે આધેડ પર બે શખ્સોએ ગાળો આપી લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના વિરવાવ ગામે રહેતા વનરાજસિંહ હઠુભા જાડેજાએ આરોપીઓ સતુભા નવુભા જાડેજા તથા હરપાલસિંહ સતુભા જાડેજા (રહે.બંન્ને વીરવાવ તા.ટંકારા જી.મોરબી)ની સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 11 નાં રોજ રાત્રે સવા આઠેક વાગ્યાનાં અરસામાં ફરિયાદીને “તું અમારા ખેતરનો શેઢો કેમ ખેડે છે” કહી ભૂંડા બોલી ગાળો દેતા ફરિયાદી ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાય ગયેલા અને આરોપી સતુભા નવુભા જાડેજાએ લાકડી વડે ફરિયાદીનાં જમણાં હાથમાં માર મારી ઈજા કરેલ તેમજ આરોપી હરપાલસિંહ સતુભા જાડેજાએ ફરિયાદીને લોખંડનો પાઈપ માથામાં મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફરિયાદ પરથી ટંકારા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.