મોરબી-માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના ધ્યાને આવતા જુદા-જુદા રસ્તાના મરામતની કામગીરી કરવાની જરૂરિયાત અન્વયે નેશનલ હાઈવેથી માળીયા (મીં) પીપળીયા સુધીના રસ્તામાં ખાસ કરીને માળીયા (મીં) વાગડિયા દરવાજા પાસેનો બિસ્માર રસ્તો તાકીદના ધોરણે મરામત કરવા સૂચના આપેલી અને તે મુજબ તે મરામતની કામગીરી હાથ ધરાયેલ છે.
તેમજ જેતપર મચ્છુ ખાતેના બ્રિજમાં ઉપરની છલતીમાં ખાડો પડેલો તે પણ યુધ્ધના ધોરણે પુરાવીને વાહન ચાલકોને પડતી મુશ્કેલી નિવારી દીધેલ છે. એજ રીતે લીલાપર ચોકડીથી ઉમિયા સર્કલ સુધીના રોડમાં જ્યાં પણ મેટલ અને પેચવર્કની જરૂરિયાત જણાઇ રહી છે તે કામ પણ તાત્કાલિક શરૂ કરી દેવાશે અવની ચોકડી થી રવાપર ચોકડીના ભાગમાં જ્યાં આર.સી.સી. કામની જરૂરિયાત જણાઈ છે તે કામ પણ બે-ત્રણ દિવસમાં જ હાથ ધરાશે. મોરબી શહેરના જુદા-જુદા રસ્તાઓમાં પણ જ્યાં ટ્રાફિકને અડચણરૂપ વરસાદને કારણે ખાડાઓ પડી ગયા હોય તે મરામત કરવા નગરપાલિકાને પણ જણાવ્યુ છે.
આમ, મોરબી-માળીયા (મીં) વિસ્તારના જુદા-જુદા રસ્તાઓ ઉપર વરસાદને લીધે નાના મોટા ખાડાઓ પડેલ હોય જેનાથી વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે માર્ગ-મકાન વિભાગના સ્ટેટ હાઇવે તેમજ પંચાયત રસ્તાના કાર્યપાલક ઇજનેરોને તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરોને ધારાસભ્યએ ખાસ તાકીદ કરી પેચવર્ક કરવા જણાવ્યુ છે. તદુપરાંત નેશનલ હાઇવે થી ગાળા અને શાપરના રસ્તાના નબળા કામ અને ઉઠેલ ફરિયાદો અન્વયે કોટ્રાક્ટર પાસેથી આ કામ વિના વિલંબે હાથ ધરી યોગ્ય પગલાં ભરવા કાર્યપાલક ઇજનેર-પંચાયતને પણ સૂચના આપી છે.
તદુપરાંત ચકમપર અને જીવાપર વચ્ચે બ્રિજના ધીમી ગતિએ ચાલતા કામમાં ઝડપ લાવવામાં આવે તેમજ કામની ગુણવતા પણ પૂરે પૂરી જળવાઈ તેવી તકેદારી સેવવા માર્ગ-મકાન વિભાગના લગત અધિકારીઓએને ખાસ સૂચના ધારાસભ્યએ આપી છે. આ કામોમાં જો ક્યાય કચાસ રહેશે, તો જે તે રસ્તાના કામો સાથે સંકળાયેલ ઇજનેરોની જવાબદારી નિયત કરી તેમની સામે પગલાં ભરતા પણ અચકાશે નહીં તેવી ચેતવણી ધારાસભ્યએ ઉચ્ચારી છે.