ટંકારા: અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને મોરબી જી.પ્રા.શિ. સંઘની સૂચના મુજબ જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા તેમજ બીજા પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલવા માટે તા.23ને ગુરૂવાર ના રોજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા એક દિવસીય ધરણાં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં બહોળી સંખ્યામાં ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો પોતાના હક મેળવવા માટે આ ધરણાંમાં જોડાયા હતા.
સરકાર દ્વારા જૂની પેન્શન યોજના બંધ કરીને નવી સી.પી.એફ. પેન્શન યોજના ચાલુ કરી છે. શિક્ષકોની માંગણી છે કે તેઓનું નિવૃત્તિ પછીનું જીવન સારી રીતે જીવી શકે તે માટે જૂની પેન્શન યોજના તેઓને મળવી જોઈએ જેની લડત માટે તેમજ સાતમા પગારપંચના લાભો તમામ રાજ્યોમાં સમાણરૂપે લાગુ કરવા તેમજ અન્ય માંગણીઓ અને પ્રશ્નો માટે આ એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જો તેમની માંગણીઓ સત્વરે પૂરી કરવામાં નહિ આવે તો આગામી સમયમાં દિલ્હી સુધી આંદોલન કરવામાં આવશે તેવો સૂર તમામ શિક્ષકોનો જોવા મળ્યો હતો. તેમજ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રીને ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.