જુનાગઢ: સોમવારે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અમાસે સવારે છ વાગ્યે જુનાગઢ કંટ્રોલ રૂમને એક ફોન આવે છે, ફોન કરનાર હેતલ દેવજી દાફડા નામની યુવતીએ કંટ્રોલ રૂમને જાણકારી આપી કે, મંગલધામમાં રહેતા તેના ભાઈ અને વકીલ નિલેશ દાફડાએ આત્મહત્યા કરી છે. કંટ્રોલ રૂમને મળેલા સંદેશાના આધારે તાત્કાલીક કંટ્રોલ રૂમે સી ડિવીઝનને આ બનાવની જાણ કરતાં પોલીસ સબ ઈન્સપેક્ટર જે જે ગઢવી ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ફોન કરનાર યુવતી હેતલ મરનાર નિલેશની બહેન થાય છે, પીએસઆઈ ગઢવીએ હેતલની પુછપરછ શરૂ કરી, પ્રાથમિક જાણકારીમાં જણાયું કે હેતલના ભાઈ નિલેશ વ્યવસાયે વકીલ હતો. જેના લગ્ન દસ વર્ષ અગાઉ કાજલ દાફડા સાથે થયા હતા. તેમના લગ્ન જીવન દરમિયાન તેઓ બે સંતાનના પાલક પણ બન્યા હતા. મંગલધામ સોસાયટીમાં આ દંપત્તિ રહેતું, તેની બાજુમાં નિલેશની માતા અને બહેન અલગ રહેતા હતા.
વકીલ નિલેશ દાફડાને દારુ પીવાની ટેવ હતી, નિલેશ અને કાજલ વચ્ચે સતત ઝઘડા પણ થતા હતા. રવિવારની સાંજે નિલેશની માતાએ નક્કી કર્યું હતું કે, આપણે બધા સાથે જમીશું જેના કારણે પડોશમાં રહેતી નિલેશની માતાના ઘરે જ રસોઈ બનાવામાં આવી હતી. ત્યારે પણ નિલેશ નશાની હાલતમાં ઘરે આવ્યો હતો. નિલેશની માતાની હાજરીમાં જ તેણે કાજલ સાથે ઝઘડો કરવાની શરૂઆત કરી હતી. આથી નિલેશની માતાએ કાજલને સૂચન કર્યું કે, ઘરે લઈ જઈ નિલેશને સુવાડી દે.
આથી કાજલ પોતાના પતિ નિલેશને લઈને પોતાના ઘરે ગઈ હતી. ત્યાંથી તેણે પોતાની સાસુને ફોન કરી જણાવ્યું હતું કે નિલેશ ખુબ તોફાન કરે છે. સાસુએ સલાહ આપી હતી કે, નિલેશનો મિત્ર વિશાલ આવીને તેને સમજાવશે તો તે માની જશે. આથી કાજલે વિશાલને બોલાવ્યો હતો. વિશાલે આવી નિલેશને સમજાવતા નિલેશ શાંત થયો હતો અને સુઈ ગયો હતો.
ત્યારબાદ કાજલ પોતાના સાસુના ઘરે પાછી ફરી હતી અને બધા સાથે મળી જમ્યા હતા. કાજલ રાત્રે પોતાના બે બાળકો સાથે પોતાના ઘરે પાછી ફરી હતી અને સોમવારની સવારે છ વાગ્યે તે પોતાના સાસુના ઘરે આવી અને કહ્યું કે, પોતાના રૂમમાં સુઈ રહેલા નિલેશે ગળા ઉપર ચાકુ મારી આત્મહત્યા કરી લીધી છે. આથી નિલેશની બહેને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ઘટના સ્થળે આવેલા પીએસઆઈ ગઢવીને નિલેશનો મૃતદેહ જોઈને અંદાજ આવી ગયો હતો કે ફરિયાદ અને વાસ્તવિક્તામાં અંતર છે. કારણ કે, વકીલ નિલેશના ગળા ઉપર જે પ્રકારના ઘા હતા, તે ઘા આત્મહત્યા કરનાર વ્યક્તિ પોતાના શરિર પર કરી શકે નહીં આથી પીએસઆઈ ગઢવીએ પોતાના સિનિયર અધિકારીઓને જાણ કરી. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ઘટના સ્થળે આવ્યા હતા. ઘટના સ્થળનું નિરિક્ષણ કરતાં તેમને પણ પીએસઆઈ ગઢવીની શંકામાં સત્ય લાગ્યું હતું.
આ મામલે મરનાર નિલેશ દાફડાની પત્ની કાજલ શંકાના દાયરામાં આવતી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, રાત્રે નિલેશ દારુના નશામાં હતો તેને સુવાડી તે બાળકો સાથે અલગ રૂમમાં સુઈ રહી હતી. સવારે ઉઠીને જોયું તો નિલેશનું ગળું કપાયેલું હતું, પરંતુ એક અનુભવી પોલીસ અધિકારીની આંખો જોઈ રહી હતી કે, આત્મહત્યા કરનાર વ્યક્તિ પોતાના ગળા ઉપર એક જ વખત ઘા કરી શકે, પરંતુ અહીં નિલેશના ગળા ઉપર જે પ્રકારના ઘા હતા તેવા ઘા નિલેશ પોતે વારંવાર કરી શકે નહીં.
આ ઉપરાંત નિલેશે સ્વ બચાવમાં પ્રતિકાર કર્યો તેવી ઈજાઓ પણ નિલેશના શરિર પર જોવા મળી હતી. પોલીસના શંકાના દાયરામાં હવે કાજલ હતી. એક તરફ નિલેશ દાફડાની હત્યા થઈ હતી અને પોલીસની શંકાના દાયરામાં તેની જ પત્ની હતી. પોલીસને પોતાનું કામ કરવાનું હતું. ડીવાયએસપી જાડેજાએ કાજલની પુછપરછ શરૂ કરી, કાજલ પોલીસના સવાલોના જવાબ આપવામાં નિષ્ફળ ગઈ અને થોડી જ મિનિટોમાં તેણે જ પોતાના પતિની હત્યા કરી હોવાનું કહ્યું, કાજલના નિવેદન પ્રમાણે તે પોતાના પતિ નિલેશ દાફડાથી કંટાળી ગઈ હતી. તેનો પતિ નશામાં ચુર થઈને તેની સાથે રોજ દુર્વ્યવહાર કરતો હતો. તેણે પોતાના પતિ સામે અગાઉ પોલીસ ફરિયાદ પણ કરી હતી.
પોલીસ ફરિયાદ પછી પણ તેના વકીલ પતિ નિલેશમાં કોઈ ફેરફાર થયો ન્હોતો. બનાવ બન્યો તેની પહેલા જ તેણે પોતાના પતિનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. તે બજારમાંથી જંતુનાશક દવા લઈ આવી હતી. એક વખત કોફીમાં અને એક વખત સોડામાં તેણે આ દવા મીલાવી તેને પીવડાવી પણ હતી, પણ નિલેશને દારુની ટેવ હોવાને કારણે તેને આ ઝેરની અસર થઈ નહીં. રવિવારની સાંજે સાસુને ત્યાં ઝગડો થયા પછી વિશાલની હાજરીમાં તેણે પતિને સુવડાવી દીધો હતો. રાત્રે બાળકો સાથે પાછા ફર્યા પછી દોઢ વાગ્યાના સુમારે મટન કાપવાના છરા વડે તેણે પોતાના પતિ નિલેશ ઉપર હુમલો કર્યો હતો. ઉંઘ અને નશામાં રહેલા નિલેશે પ્રતિકાર કરવાનો પ્રયત્ન પણ કર્યો પણ તેની સ્થિતિ એવી ન્હોતી અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતાં નિલેશ બેભાન થઈ ગયો હતો. દોઢ વાગ્યે કાજલે તેની પર હુમલો કર્યો હતો પરંતુ તેનું મરણ સવારે ચાર વાગ્યે થયું.
આ દરમિયાન કાજલે રૂમમાં ફેલાયેલું લોહી સાફ કર્યું હતું, પોતાના લોહી વાળા કપડા ધોઈ નાખ્યા હતા અને સવારે છ વાગ્યે પોતાની સાસુને ત્યાં જઈ નિલેશે આત્મહત્યા કરી છે તેવું ચિત્ર ઊભું કર્યું હતું. આ મામલે જુનાગઢ સી ડીવીઝન પોલીસે કાજલની અટક કરી છે પરંતુ વિષમતા એવી છે કે નિલેશની હત્યા થઈ છે, કાજલ જેલમાં જશે પણ તેમના આઠ અને બે વર્ષના સંતાનો હાલમાં નિરાધાર બની ગયા છે.