Friday, April 4, 2025

ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો, આંગણવાડી વર્કર અને હેલ્પર કાયમી સરકારી નોકરીના હકદાર

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત હાઇકોર્ટે એક બહુ અગત્યના અને સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ પણ સરકારી નોકરીની સવામાં કાયમી બનવા માટે હકદાર છે અને તેઓની જોબ પ્રોફાઇલ ઘ્યાને લઇને તેઓને સરકારમાં કાયમી કર્મચારીઓ તરીકે સમાવવા જોઇએ અને તેઓને કાયમી કર્મચારી મુજબના લાભો આપવા જોઇએ. જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે 122 પાનાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને રાજય સરકારને આદેશ કર્યો છે.

રાજયના ૩00થી વઘુ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ દ્વારા કરાયેલી ઢગલાબંધ રિટ અરજીઓની સુનાવણીના અંતે જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે, આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ રાઇટ ટુ એજયુકેશન અને નેશનલ ફુડ સીકયોરીટી એકટ(એનએસએફ) હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો નિભાવતા હોવાછતાં તેઓ રાજયની નાગરિક સેવાઓનો ભાગ નથી.

આવા કર્મચારીઓને સરકારી સેવાનો ભાગ નહી ગણીને રાજય સરકારના સત્તાવાળાઓ દ્વારા ભેદભાવ કરાઇ રહ્યો છે અને બંધારણની કલમ-14 અને 16(1) હેઠળ સમાનતા અને સમાન તકોના અધિકારોનું ઉલ્લંઘન કરાઇ રહ્યું છે. હાઇકોર્ટે અરજદાર આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરીની સેવામાં નિયમિત(કાયમી) કરવા અને તે મુજબના રેગ્યુલર પે સ્કેલ અને પે બેન્ડ ચૂકવવા રાજય સરકારને આદેશ કર્યો હતો.

જસ્ટિસ નિખિલ એસ.કેરીઅલે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, એવું દેખીતી રીતે સ્પષ્ટ થાય છે કે, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર બંને આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નાગરિક સેવાના કર્મચારીઓની સમકક્ષ નહી ગણીને અને તેઓને વેતનની યોગ્ય ચૂકવણી નહી કરીને ભારે ભેદભાવ અને અન્યાય કરી રહી છે. સરકાર આંગણવાડી વર્ક્સ અને હેલ્પર્સને અલગ રીતે મૂલવી રહી છે તે અંગે યોગ્ય ખુલાસો કરી શકી નથી અને તેથી તેઓ સ્વૈચ્છિક સેવા પૂરી પાડી રહ્યા હોઇ તે મતલબનો સરકારનો દાવો ટકી શકે તેમ જ નથી.

હાઇકોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આંગણવાડી વર્ક્સ અને આંગણવાડી હેલ્પર્સ રાજય અને કેન્દ્ર સરકારમાં કાયમી કર્મચારીઓની જેમ જ ગણાય અને તેથી કેન્દ્ર અને રાજય સરકાર સાથે મળીને તેઓને સરકારી સેવામાં સમાવી લેવા અને નોકરીમાં કાયમી કરવા તેમ જ કાયમી મુજબના લાભો તેઓને ચૂકવવા બાબતે એક યોગ્ય નીતિ બનાવે. આ નીતિ બનાવતાં કઇ બાબતોનું ઘ્યાન રાખવું તે અંગે પણ જસ્ટિસ નિખિલ એસ.કેરીઅલે સ્પષ્ટ કર્યું કે, આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ માટે પોસ્ટનું વર્ગીકરણ, તેમના માટેના જરૂરી પગારધોરણ અને ગ્રેડ, તેઓ એરિયર્સ માટે હકદાર છે તેની કટ ઓફ તારીખ -પિટિશન દાખલ કરાઇ તેના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલાંની હોવી જોઇએ., અન્ય જે કોઇ મુદ્દા ઉભા થાય તે પણ ઘ્યાને લેવા., કેન્દ્ર સરકાર અને રાજય સરકારે આ નીતિને છ મહિનામાં અંતિમ સ્વરૂપ આપી દેવાનું રહેશે અને ત્યાં સુધી અરજદાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લધુત્તમ પગાર ધોરણ ચૂકવવાનું રહેશે.

Related Articles

Total Website visit

1,501,526

TRENDING NOW