(આર્ટીકલ: રિતુ ભાલાળા રાજકોટ): મિત્રો, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. તમે બધા એ પોતપોતાના ઘરને સજાવવા માટે, પરિવાર માટે અને પોતાના માટે જાતજાતની અને ભાતભાતની ખરીદીઓ કરવાની શરૂઆત તો કરી જ દીધી હશે. દિવાળી આવતા અગાઉથી જ ખુશીનો માહોલ છવાઈ જાય છે. નાનાથી લઈને મોટા સુધી બધા જ દિવાળીને ધૂમધામથી મનાવવા માટે હરખઘેલા બનીને અલગ અલગ પ્રકારની ખરીદીઓ કરે છે.
એમાં પણ બજારમાં મળતી વસ્તુઓ કરતાં ઓનલાઇન મળતી વસ્તુઓ તરફ લોકો વળવા લાગ્યા છે. જેનાં લીધે સ્થાનિક વેપારીઓ અને જરૂરિયાત મંદ પરિવારોને નુકશાન થાય છે. જેવી રીતે આપણે દિવાળી પર અમુક વસ્તુઓની ખરીદી કરવી અને નવા વર્ષની નવી શરૂઆત કરવાની આશાએ ખરીદીઓ કરવાનું વિચારીએ છીએ, એ જ રીતે વેપારીઓ અને જરૂરિયાત મંદ પરિવારો પણ એ જ આશા સાથે દિવાળીની અમુક વસ્તુઓ વહેંચી પોતાનું ગુજરાન ચલાવવાનું વિચારે છે.
પરંતુ ઓનલાઇન ખરીદીનો મોહ ધરાવતો સમાજનો બહોળો વર્ગ આવી બાબતોને સમજી નથી શકતો. જેનાં લીધે આપણા સમાજનાં ઘણાં વેપારીઓ અમે ગરીબ પરિવારોની આશાઓ પર પાણી ફરી વળે છે.
ઘણાં જરૂરિયાતમંદ પરિવારો દિવાળીના તહેવારને લગતી વસ્તુઓ લઈને બજારમાં નીકળી પડે છે. એ આશાઓ સાથે કે આ દિવાળી આપણે પણ ખૂબ સારી રીતે મનાવીશું.
પરંતુ ઓનલાઇન ખરીદી તરફ વળતા લોકોને જોઈને આવા પરિવારની આશાઓ તુટી જાય છે. ઓનલાઇન ખરીદીના શોખીનોએ એક વાત જાણી લેવી જોઈએ કે આપણે જે પણ વસ્તુઓ ખરીદીએ છીએ તે સ્વદેશી છે કે નહીં ? જો એ વસ્તુઓ સ્વદેશી હોય તો જ એ ખરીદવી જોઈએ.
રાષ્ટ્ર હિત કા ગલા ઘોટ કર છેદ ના કરનાં થાલી મેં મિટ્ટી વાલે દીયે જલાયે અબ કી બાર દિવાલી મેં
અને એમાં પણ એ જ વસ્તુ જો બજારમાં મળી રહે છે, તો એ બજારમાંથી જ ખરીદવી જોઈએ. જેથી કરીને સ્થાનિક વેપારીઓ અને જરૂરિયાત મંદ પરિવારોને પણ કમાણી કરવાનો મોકો મળી રહે.
તો મિત્રો, આ દિવાળી પર આપણે તો ખુશ રહીએ જ પણ સાથે સાથે બીજાની ખુશીનું પણ કારણ બનીએ. જે વસ્તુઓ ઓનલાઇનની સાથે સાથે બજારમાં પણ મળી રહે છે, એ વસ્તુઓ બજારમાંથી ખરીદવાની જ પસંદગી કરીએ. જેથી વેપારની આશા રાખનાર દરેકને કમાણીનો મોકો મળે. ? આ દિવાળી પર આપણાથી જો કોઈ એક પરિવારના ચેહરા પર ખુશીનું સ્મિત રેલાશે, તો આ નાનકડો પ્રયાસ હકીકતમાં આપણી દિવાળી સુધરી ગણાવશે. તો ચાલો આ દિવાળી આપણે “ખુશ રહો અને ખુશી વહેંચો”ની પ્રતિજ્ઞા સાથે મનાવીએ…