Tuesday, May 6, 2025

ગાવ ચલે હમ ! મોરબી કલેકટરે 40 અધિકારીઓને ગામડે દોડાવ્યા

Advertisement
Advertisement
Advertisement

ગાવ ચલે હમ ! મોરબી કલેકટરે 40 અધિકારીઓને ગામડે દોડાવ્યા

મોરબી : રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજના અમલમાં હોવા છતાં આવી યોજનાઓનો લાભ ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચતો નથી ત્યારે મોરબી જિલ્લા કલેકટરે નવતર અભિગમ સાથે છેવાડાના ગામડા સુધી રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે છે કે નહીં તેની આકસ્મિક ચકાસણી માટે મંગળવારે 40 ક્લાસ વન અને ક્લાસ -2 અધિકારીઓને ગામડે દોડાવી સાચી સ્થિતિનો ક્યાસ મેળવવા પ્રયાસ કર્યો હતો.

રાજા મહારાજાના સમયમાં પ્રજા સુખી છે કે, દુઃખી તેની જાણકારી મેળવવા રાજા વેશ પલટો કરી નગરચર્યાએ નીકળતા અને અનેક લોકોને પડતી મુશ્કેલી અંગે સાચી પરિસ્થિતિનો ખ્યાલ મેળવતા, આવી જ પદ્ધતિ અપનાવી મોરબી જિલ્લાના રાજા એટલે કે જિલ્લા કલેકટરે મંગળવારે પોતાની આગવી કાર્ય પદ્ધતિ મુજબ જિલ્લાના 40 ક્લાસ વન અને ક્લાસ-2 અધિકારીઓને છેવાડાના ગામોમાં અચાનક મુલાકાતે મોકલી ગ્રામજનો, સરપંચ અને અન્ય આગેવાનોને મળી નિયત ફોર્મ ભરી લાવવા આદેશ કરતા સરકારી બાબુઓ ગામડે દોડ્યા હતા.

આ અંગે જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે, હું જે કોઈપણ જિલ્લામાં ફરજ બજાવવા જાવ છું ત્યાં મારી કાર્યપધ્ધતિ મુજબ અધિકારીઓને ગામડે રૂબરૂ મોકલી એક નક્કી કરેલું ફોર્મ ભરવા મોકલું છે જેમાં ગામડાના લોકોને પીવાનું પાણી, સિંચાઇનું પાણી, શિક્ષણ, આરોગ્ય વાહન વ્યવહાર સહિતની કેવી સુવિધા મળે છે ? અથવા તો નથી મળતી કે અપૂરતી મળે છે તેમજ શિક્ષકો સમયસર શાળાએ આવે છે કે કેમ ? સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની અમલવારી થઇ છે વગેરે બાબતોની જીણામાં જીણી જાણકારી મેળવવામાં આવે છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ગામડાની એક વખતની મુલાકાતથી સંતોષ નહીં માની જે -જે ગામમાં અધિકારીઓને મોકલવામાં આવ્યા હોય અને ત્યાંના રિપોર્ટ આવ્યા હોય તે બાદ ફરીથી દોઢ માસ બાદ આજ અધિકારીઓની ટીમને ફરી એ જ ગામમાં મોકલવામાં આવશે અને ત્યાંની સ્થિતિમાં શું પરિવર્તન આવ્યું તેની નોંધ લઈ અવિરતપણે જિલ્લાના તમામ એક-એક ગામની આ રીતે મુલાકાત લઈ ગામડામાં વસવાટ કરતા તમામ નાગરિકોને સુવિધા સભર જીવનધોરણ મળે તે તેમની પ્રાથમિકતા હોવાનું અંતમાં જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,777

TRENDING NOW