ગટરમાંથી કચરો ઉપાડી લેવાનું કહી હોટલ સંચાલકને ચાર શખ્શોએ માર માર્યો.
માળીયા જામનગર હાઇવે પર આવેલ જસાપર ગામની સીમમાં આવેલ હોટલના સંચાલકને ચાર શખ્સો દ્વારા બોલાવી ગટરમાંથી કચરો ઉપાડી લેવાનો કહી હોટલ સંચાલકને માર મારવામાં આવ્યો હતો. હોટલ સંચાલક બેભાન થઇ ગયો હતો. ત્યારે આ બાબતે હોટલ સંચાલકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા જામનગર હાઇવે ઉપર જસાપર ગામની સીમમાં હોટલ ધરાવતા ફરિયાદી માવજીભાઇ સુખાભાઈ ચાવડા રહે.જસાપર ગામ વાળા પોતાની હોટલ ઉપર હાજર હતા ત્યારે આરોપી કાનાભાઈ આલાભાઈ બાલાસરાએ તેમને બોલાવી ગટરમાં કચરો પડ્યો છે તે ઉપાડી લેવા કહેતા માવજીભાઈએ હમણાં માણસો પાસે ઉપડાવી સળગાવી નાખું તેમ કહેતા આરોપી કાનાભાઈ એ કુહાડીનો ઘા મારી દીધેલ હતો અને તુરત જ બીજા આરોપી પરબતભાઇ ખીમભાઈ ચાવડા અને અન્ય બે અજાણ્યા માણસોએ પણ લોખંડના સણેથા વડે હુમલો કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બીજી તરફ માવજીભાઈને બેફામ માર મારવામાં આવતા તેઓ બેભાન બની ગયા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં તેમનો પુત્ર મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લાવ્યો હતો. બનાવ અંગે માળીયા પોલીસે ચારેય ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.