ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં દેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું હતું ત્યારે જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો અને આ વિડીયો મોરબીના લજાઈ નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસે વિડીયો વાયરલ થતાની સાથે જ તાત્કાલિક એક્શન લીધા હતા અને વીડિયોમાં દેખાતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે સાથે અન્ય આરોપીઓના નામ ખુલતા તેને પકડી પાડવા માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ ટંકારાના લજાઈ પાસે જાહેરમાં દેશી દારૂ વેચાતો હોય એક જાગૃત નાગરિકે આ દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. આ વીડિયોને લઈને ટંકારા પોલીસે દારૂ વેંચતા પોપટભાઈ જયંતીભાઈ સાથલીયા ઉ.વ.20ને પકડી પાડ્યો છે. તેની પાસેથી 60 કોથળી દારૂ પણ કબ્જે કર્યો છે. આ ઉપરાંત ચંદ્રસિંહ ઉર્ફે બંટી સરદારસિંહ ઝાલાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે જ ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વિડિયો વાયરલ થતાની સાથે જ પોલીસે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરી છે.