• ઓમિક્રોન ના આતંકથી ડરો નહી, સાવચેત બનો
• ઓમિક્રોનથી ગભરાવવાની જરૂર નથી. સમયસર સાવચેતી, સલામતી તથા સારવાર દ્વારા તેને નાથી શકાય છે
મોરબી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે છેલ્લા બે વર્ષ થી હાહાકાર મચાવ્યો છે. ત્યારે તાજેતરમાં કોવિડનો નવો વેરીયન્ટ ઓમિક્રોન વિશ્વના મોટાભાગના દેશોમાં ફેલાઈ રહ્યો છે. ભારત દેશ પણ તેમા બાકાત નથી. આપણા દેશના ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં ઓમિક્રોનનો પગપેસારો થઈ ચુક્યો છે. બીજી બાજુ શાળાકીય શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ ચુક્યુ છે, ત્યારે આ સંજોગોમાં વાલીઓ તથા શાળા સંચાલકોને ચિંતા સતાવી રહી છે. ઓમિક્રોન શું છે? કોને ચેપ લાગવાની શક્યતા વધુ છે? ઓમિક્રોનથી કઈ રીતે બચવુ? વાલીઓ તથા શાળા એ કઈ કઈ તકેદારીઓ રાખવી? વગેરે બાબતો અંગે મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબ સ્પર્શ હોસ્પીટલવાળા ડો. મનિષ સનારીયાએ જનજાગૃતિ ભાગરૂપે જરૂરી સુચનો જણાવ્યા છે.
ઓમિક્રોનએ કોવિડના એક વેરિયન્ટનો પ્રકાર છે. જેના ફેલાવાની ઝડપ બીજા વેરિયન્ટ કરતા વધુ છે પરંતુ તે બીજા વેરિયન્ટ જેટલો જીવલેણ નથી. સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન થી થતા મૃત્યુનું પ્રમાણ ખુબ જ ઓછુ છે. તેથી ડર્યા વગર સાવચેતી રાખી, હકારાત્મક અભિગમ રાખી ઓમિક્રોનના આતંક સામે લડી શકાશે.
• કોને ઓમિક્રોનનો ચેપ લાગવાની શક્યતા વધુ છે?
– ૫ થી ૧૦ વર્ષના બાળકો કે જેમનું બાળ રસીકરણ પૂર્ણ નથી થયુ.
-દરેક ઉંમરના લોકો જેમણે કોવિડ રસીકરણના બંને ડોઝ પૂર્ણ નથી થયા.
-એવી વ્યક્તિઓ કે જેમણે પ્રથમ અથવા બીજી લહેરમાં કોવિડનો ચેપ લાગ્યો નથી.
• ઓમિક્રોનના લક્ષણો
– ઓમિક્રોનએ ડેલ્ટા પ્લસ કરતા અલગ પ્રકારનો વેરિયન્ટ છે. તે જીવલેણ નથી પરંતુ ફેલાવો ઝડપથી થાય છે. એમિક્રોનના લક્ષણોમાં સામાન્ય શરદી, સામાન્ય તાવ, ગળામાં દુખાવો, પરસેવો વળવો, સ્વાદ કે ગંધ ન પારખી શકવા, માથામાં દુખાવો જેવા સામાન્ય લક્ષણો મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યા છે. બાળકોમાં તાવ, માથુ દુખવું, શરદી જેવા લક્ષણો જોવા મળે છે.
• શુ શૈક્ષણિક કાર્ય પૂન: બંધ કરવુ જરૂરી છે?
– ના, શૈક્ષણિક કાર્ય બંધ કરવાની કોઈ આવશ્યકતા નથી. શાળા તથા વાલી દ્વારા સલામતી અંગે સાવચેતી રાખવાથી ઓમિક્રોનને અટકાવી શકાશે.
• બાળકોમાં ઓમિક્રોનના ફેલાવા ને કઈ રીતે અટકાવી શકાય?
– કોવિડના કારણે જે બાળકોનું ન્યુમોનિયા, ફ્લુ વગેરેનું વેક્સિનેશન બાકી છે તે સત્વરે કરાવવુ.
– સ્તનપાન કરાવતી માતાએ કોવિડ વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવું.
– ઘરના દરેક ૧૮ વર્ષથી મોટી ઉંમરના સભ્યોનું કોવિડ વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવું.
– શાળામાં શૈક્ષણિક તથા બીન શૈક્ષણિક સ્ટાફનું વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવું.
– ઘર તથા શાળાના બારી-બારણા ખુલ્લા રાખવા. એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખવા.
– શાળામાં સામાજીક અંતર જાળવી બાળકોને બેસાડવા.
– બાળકો પોતાની પાણીની બોટલ તથા નાસ્તો ઘરેથી જ લાવે તેમજ તેનુ શેરીંગ બીજા બાળકો સાથે ન કરે તેની તકેદારી રાખવી.
– બાળકો સેનિટાઈઝર તથા માસ્ક પહેરવા અંગે સમજ આપવી.
– દરેક લેક્ચરમાં શિક્ષકોએ ક્લાસમાં પ્રવેશતા ની સાથે સેનિટાઈઝર કઈ રીતે લગાવવુ તેમજ માસ્ક કઈ રીતે પહેરવુ તેની પ્રેક્ટીકલ સમજ બાળકોને આપવી.
– જે બાળકોને શરદી-ઉધરસ થઈ હોય તેવા બાળકો એ ૪-૫ દીવસ શાળાએ ન જવુ. તે અંગે વાલી તથા શાળાએ જાગૃત બનવુ.
– જાહેર મેળવવાઓ, ભીડવાળી જગ્યાઓ પર બાળકને ન લઈ જવા.
– કોઈ સ્કુલના સ્ટાફ કે બાળકોમાં કોવિડ કેસ આવે તો તાત્કાલીક ધોરણે થોડા દીવસ માટે શાળા બંધ કરવી.
– બાળકોમાં શરદી-ઉધરસ, તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો.
– બાળકોમાં હેન્ડવોશની સમજ કેળવવી.
ઉપરોક્ત તકેદારીઓ રાખી બાળકોને ઓમિક્રોનથી બચાવી શકાશે. ઓમિક્રોનથી બચવાનો એક માત્ર ઉપાય SMS.
S-Sanitizer
M-Mask
S-Social distance.