મોરબી: જલારામ પ્રાર્થના મંદિર હોસ્પીટલમાં જગ્યા ન મળતા ઘરે સારવાર મેળવતા કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને રેમડેશિવીર ઈન્જેક્શન ઘરે-ઘરે જઈ પારદર્શક વિતરણ કરવા જલારામ પ્રાર્થના મંદિરના આગવાનોએ તૈયારી બતાવી મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે.
તેમણે રજુઆતમાં જણાવાયું હતું કે, પ્રવર્તમાન સમયે કોરોના વાઈરસે સમગ્ર મોરબીને બાનમાં લઈ લીધેલ છે. ત્યારે દીન-પ્રતિદીન કોરોનાના કેસ તથા મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતીમાં સમગ્ર મોરબીમાં એક પણ હોસ્પીટલ તથા કોવિડ સેન્ટરમાં જગ્યા ખાલી રહી નથી. તેથી ગંભીર લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓ પણ ઘરે સારવાર લેવા માટે મજબુર બન્યા છે. આ પરિસ્થિતીમાં મોરબીના તબિબો તથા મેડીકલ સ્ટાફ ઘરે જઈ દર્દીઓને સારવાર આપી રહ્યો છે. ત્યારે મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, હોમ ક્વોરન્ટાઈન દર્દીઓને રેમડેશિવીર ઈન્જેક્શન નહીં મળે. તેનાથી દર્દીઓની સ્થિતી કફોડી બને છે તેમજ મૃત્યુઆંક વધી રહ્યો છે. આ પરિસ્થિતીમાં જો સરકારની તત્પરતા હોય તો વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનો ઘરે ઘરે જઈ ડોક્ટરને સાથે રાખી, વિડીયોગ્રાફી કરી, જરૂરી દસ્તાવેજો એકત્રિત કરી ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓને સરકાર માન્ય કીંમતે વિતરણ કરવા તૈયાર છે.
મોરબી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ પ્રસાદની વ્યવસ્થા, અંતિમયાત્રા બસ, શબવાહીની સેવા, સામૂહીક અસ્થિ વિસર્જન સેવા, ફ્રિઝ શબ પેટી, મેડીકલ સાધનો ની સેવા, મેડીકલ કેમ્પ વગેરે સેવા સર્વજ્ઞાતિય તેમજ સર્વધર્મના લોકોને ઘણા વર્ષો થી ટ્રસ્ટ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ સહીતના આગેવાનોની આગેવાનીમાં પ્રદાન કરવામાં આવે છે. ત્યારે ગત વર્ષે સરકાર દ્વારા લાદવામાં આવેલ લોકડાઉન ના ૪૦ દીવસ દરમિયાન સંસ્થા દ્વારા એક લાખ જેટલા ફુડપેકેટનું જરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યુ હતુ. પ્રવર્તમાન સમયે પણ સંસ્થા દ્વારા વિનામુલ્યે સર્વજ્ઞાતિય ઓક્સિજન બોટલ વિતરણ, રાહતદરે ઓક્સિમિટર, નેબ્યુલાઈઝર મશીન વિતરણ, એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા અવિરતપણે પ્રદાન કરવામાં આવી રહી છે.
મોરબી શહેર તેમજ જીલ્લામાં સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કોવિડ ટેસ્ટ કેમ્પો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે તેમા આવતા પોઝીટીવ કેસની સંખ્યા સામે તંત્ર દ્વારા દરરોજ ઓછા જ કેસ બતાવવામાં આવે છે. તેમજ ફાયર ડીપાર્ટમેન્ટે કરેલ મૃતદેહોની અંતિમ વિધીના આંકડા તથા તંત્ર દ્વારા જાહેર કરાયેલ મૃત્યુઆંકમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતી મા યોગ્ય દવાઓ તથા સુવિધાઓના અભાવે લોકો દમ તોડી રહ્યા છે. સરકાર દ્વારા રેમડેશિવીર ઈન્જેક્શનનો જથ્થો તંત્ર ના આંકડા પરથી પુરો પાડવામાં આવે છે. જેથી તેની અછત સર્જાય છે. વહેલી સવાર થી બહોળી સંખ્યા મા લોકો ઈન્જેક્શન લેવા લાઈનોમાં ઉભા રહે છે. પરંતુ નિરાશા સાથે ખાલી હાથે પાછા ફરવુ પડે છે. આ મહામારીમાં જો સરકાર તત્પરતા તથા ઈચ્છા દર્શાવે તો અમારી સંસ્થા પારદર્શક વિતરણ માટે તૈયાર છે. જેથી મૃત્યુઆંક ઘટાડી શકાય તેમજ લોકો અત્યારે જે સરકારની અસુવિધાઓના કારણે સરકારની કામગીરીથી નાખુશ છે. તેમને સરકાર પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય.