કેન્સર સામે જીતનો જોશઃ રાજકોટમાં ૩૦૦૦ કેન્સર વોરિયર્સ ૨જી ઓક્ટોબરે ગરબે ઘૂમશે
કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ માટે એક અનોખો દિવસીય નવરાત્રિ મહોત્સવ
પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહી કેન્સર યોદ્ધાઓને આશીર્વાદ આપશે, બે પુસ્તકોનું વિમોચન કરશે
એન્ટ્રી માટે પાસ જરૂરી પણ પાસ ફ્રી છે – સવારે ૧૧થી સાંજે ૭ સુધીમાં પાસ મેળવી શકશે. .
‘‘કેન્સર એટલે કેન્સલ નહીં જ’’… ‘‘કેન્સર મટી શકે છે, કેન્સરને હરાવી શકાય છે’’.. ‘‘કેન્સર સામે ‘‘જિંદગીનો જંગ જિતી શકાય છે’’… કંઈક આવો જ સંદેશ આપવા સાથે રાજકોટમાં ૩૦૦૦ જેટલા કેન્સર યોદ્ધાઓ ૨જી ઓક્ટોબરે ગરબે ઘૂમશે.
કેન્સર અંગે જાગૃતિ લાવવા તથા કેન્સર વોરિયર્સમાં આશા તથા જોમ ભરવા કેન્સર કેર ફાઉન્ડેશન સતત સક્રિય છે. આ ફાઉન્ડેશન દ્વારા ૨જી ઓક્ટોબરે અનોખા ‘કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ ૨૦૨૪’ (એક દિવસીય નવરાત્રિ ઉત્સવ)નું આયોજન કર્યું છે. રાજકોટમાં ૧૫૦ ફૂટ ન્યૂ રિંગરોડ પર, શિલ્પાન સાગાની બાજુમાં, ઝેન ગાર્ડનની બાજુમાં, કોકોનટ પ્લોટની સામે આવેલી ક્લબ યુ.વી. ખાતે, સાંજે ૬થી ૧૧ દરમિયાન આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. જેમાં સમગ્ર ગુજરાતના કેન્સરગ્રસ્ત ભાઇઓ, બહેનો અને બાળકો ભાગ લેશે. આશરે ૩૦૦૦ જેટલા કેન્સર વોરિયર્સ ગરબે ઘૂમીને કેન્સર સામે જીતનો જુસ્સો દર્શાવશે. આ તકે ૧૦૮ કેન્સરગ્રસ્ત બહેનો દ્વારા દેવી કવચની સ્તુતિનું પઠન કરવામાં આવશે. આ સાથે કેન્સર જાગૃતિ માટે વિવિધ નાટકનું આયોજન થશે.
આ નવરાત્રિ મહોત્સવમાં એન્ટ્રી માટે પાસ જરૂરી છે પણ પાસ ફ્રી છે. સવારે ૧૧થી સાંજે ૭ સુધીમાં, (૧) રાષ્ટ્રીય શાળા ઈનોવેટિવ કિડ્સ સેન્ટર, વિદ્યાનગર મેઈન રોડ, સીમાબેન ભટ્ટી ૦ ૯૯૭૪૭ ૦૪૫૯, રૂપાબેન વોરા – ૯૯૨૫૧ ૫૧૪૭૯, (૨) મોંજીનીસ કેક, એસ્ટ્રોન ચોક, રમેશભાઈ – ૯૯૯૮૮ ૨૦૨૦૩, રવિભાઈ – ૭૮૭૮૬ ૫૬૫૬૪, (૩) નાથાલાલ પારેક કેન્સર હોસ્પિટલ, નિર્માળા કોન્વેન્ટ રોડ, મનોજભાઈ – ૭૫૭૫૦ ૫૧૮૧૦ ખાતેથી મેળવી શકાશે.
મહત્વનું છે કે, કેન્સર સામે જંગ લડતા વોરિયર્સનો જુસ્સો વધારવા માટે નવ હજાર જેટલા કેન્સરગ્રસ્ત લોકોના કુટુંબીજનો, ૨૦૦ જેટલા કેન્સર નિષ્ણાંતો, વિવિધ શાખાના ડૉક્ટર અને તેમના ફેમિલી મેમ્બર્સ, કેન્સર હોસ્પિટલનો સ્ટાફ, એક હજારથી વધારે સામાજિક સેવાભાવી સંસ્થાઓ, સર્વે દાતા, ઉદ્યોગપતિ સરકારી-સંસ્થાકીય અધિકારી, ટ્રસ્ટી અને તેમના અધિકારી તેમના સ્ટાફ અને પરિવાર, કોલેજ કે યુનિવર્સિટીના હોદ્દેદારોશ્રી, તેમના વિદ્યાર્થી ભાઈ-બહેનો વગેરે આ એક દિવસીય નવરાત્રિ ઉત્સવમાં જોડાય, તે માટે આમંત્રણ અપાયું છે.
રાજકોટની ક્લબ યુ.વી.માં મયૂર બુદ્ધદેવ અને તેમની સાથેના નામી કલાકારો સાથે ગીત-સંગીત અને ગરબાની રમઝટ બોલાવશે અને કેન્સરના દર્દીઓ ગરબે ઘૂમીને બીમારીને હરાવવા શક્તિનો શંખનાદ કરશે.
આ ઉપરાંત આ તકે કેન્સરના દર્દીઓની હિંમત અને પ્રેરણા વધે એટલે ઈનામી વ્યવસ્થા, દવાઓ કે અન્ય પ્રકારના સહયોગ માટેની માહિતી અને માર્ગદર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં પૂજ્ય મોરારી બાપુ કેન્સરગ્રસ્ત યોદ્ધાઓને આશીર્વચન આપવા તેમજ તેઓનો ઉત્સાહ વધારવા પધારવાના છે. પૂજ્ય બાપુના વરદ હસ્તે બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે.
ગુજરાતની આનંદપ્રિય જનતા કોઈપણ પડકારને તકમાં ફેરવવા માટે જાણીતી છે, ત્યારે કેન્સર જેવી ગંભીર બીમારીની સામે કઈ રીતે લડત આપવી જોઈએ, તેવા એક સુદ્રઢ હેતુ સાથે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્સરના યોદ્ધાઓનો સામાજિક સ્વીકાર થાય અને સમાજ કેન્સરની બીમારી સામે લડત આપવા જાગૃત અને સક્ષમ બને તે માટે આ એક દિવસીય નવરાત્રિ મહોત્સવ યોજાશે, તેમ ફાઉન્ડેશનની યાદીમાં જણાવાયું છે.